નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ વેબસાઇટ્સ પર એવી માહિતી ફેલાઈ રહી છે કે પતંજલિ કંપની પોતાનું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લોન્ચ કરી રહી છે. પતંજલિ બ્રાન્ડ સામાન્ય રીતે ઔષધિઓ, સાબુ અને અન્ય દૈનિક વપરાશનાં ઉત્પાદનો માટે જાણીતી છે, પરંતુ શું પતંજલિ ખરેખર ઇલેક્ટ્રિક સ્કૂટર લઇને આવી રહી છે? ચાલો જાણીએ…
ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માર્કેટનું ભવિષ્ય બહુ ઊજળું માનવામાં આવે છે, જોકે હાલમાં બજારમાં તેની ખપત 10 ટકાથી પણ ઓછી છે. છતાં, લોકોને વધતી રુચિને ધ્યાનમાં રાખી ઘણા નવા સ્ટાર્ટઅપ્સ ઊભા થયાં છે.
એ જોવું રસપ્રદ રહેશે કે શું યોગ ગુરુ બાબા રામદેવ, જે પતંજલિનો મુખ્ય ચહેરો છે, ટેલિવિઝન સ્ક્રીન પર ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતા જોવા મળે અને તેની વિશેષતાઓ જણાવી રહ્યા હોય.
આ મહિનાની શરૂઆતમાં કેટલીક વેબસાઇટ્સ, જેમ કે EVMechanica, એ પતંજલિના ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે નીચેની વિગતો આપી છે:
– મહત્તમ રેન્જ – 440 કિલોમીટર
– બેટરી પ્રકાર – લિથિયમ આયન (ડિટેચેબલ)
– ચાર્જિંગ સમય – 4-5 કલાક
– મહત્તમ સ્પીડ – 60 કિમી પ્રતિ કલાક
– કિંમત – રૂ. 14,000 (પ્રારંભિક ઓફર)
– વજન – 75-80 કિલોગ્રામ
– બ્રેકિંગ સિસ્ટમ – ડ્રમ (ફ્રન્ટ અને રિયર)
– રંગ – સફેદ, બ્લુ, ગ્રે, કાળો
આ સ્પેસિફિકેશન્સ જોઈને કોઈ પણ ઓટોમોબાઇલ જ્ઞાન ધરાવતી વ્યક્તિ કહી શકે કે આ માહિતી ઘણા હદ સુધી અસંભવ જેવી લાગે છે. એક વાર ચાર્જિંગ પર 440 કિમી રેન્જનો દાવો બહુ મોટો છે.
અંતે કહી શકાય કે પતંજલિ તરફથી આવતી સ્કૂટરની વાતો હાલમાં ખોટી જણાઈ રહી છે અને તેની પુષ્ટિ માટે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
