એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરે બીજા મુસાફર પર પેશાબ કર્યો

નવી દિલ્હીઃ દિલ્હીથી બેંકોક જતી એક ફ્લાઈટમાં એર ઈન્ડિયાના એક મુસાફરે સાથી મુસાફર પર કથિત રીતે મૂત્ર વિસર્જન કર્યું છે. બુધવારે આ ફ્લાઈટ બેંકોક જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી, એમ સૂત્રોએ કહ્યું હતું એર ઈન્ડિયાએ આ ઘટનાની જાણ નાગરિક હવાઈ ઉડ્ડયન મહા નિદેશાલય (DGCA) ને કરી દીધી છે.

આ ઘટનાના સંદર્ભમાં પૂછવામાં આવતાં નાગરિક હવાઈ ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ બુધવારે કહ્યું હતું કે મંત્રાલય આ ઘટનાનું ધ્યાન લેશે અને એરલાઈન સાથે વાત કરશે. તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમના બહાર કહ્યું હતું કે જો કોઈ ખોટું કામ થયું છે, તો અમે જરૂરી પગલાં લઈશું.

એપ્રિલ 2024માં ઓસ્ટ્રેલિયાની એક ફ્લાઈટમાં પણ આવી જ મૂત્ર વિસર્જનની ઘટના બની હતી. એક હવાઈ મુસાફરે એવી જગ્યાએ મૂત્રવિસર્જન કરી હતી કે જે બાદમાં આખી ફ્લાઈટમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના સિડની એરપોર્ટની હતી. જ્યાં ફ્લાઈટ પહોચ્યા બાદ ઉતરવામાં વિલંબ થવાને કારણે એક મુસાફરે કપમાં મૂત્રવિસર્જન કરી દીધું હતું. આવી હરકત બદલ તે મુસાફર પર દંડ લાદવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ડિસેમ્બરની છે, જ્યારે ઓકલેન્ડથી સિડની જતી ત્રણ કલાકની એર ન્યુ ઝીલેન્ડની ફ્લાઈટ બાદ બની હતી. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં સિડનીની અદાલતે આક્રમક વર્તન બદલ 53 વર્ષના વ્યક્તિ પર 600 ઓસ્ટ્રેલિયન ડોલર ($ 395 US ડોલર)નો દંડ લાદ્યો હતો. આ ઘટના ત્યારે લોકચર્ચામાં આવી, જ્યારે ન્યુ ઝીલેન્ડની સમાચાર વેબસાઈટ સ્ટફે જણાવ્યું હતું કે એક મુસાફરે કહ્યું હતું કે તેણે ફ્લાઈટ ક્રૂને આ વર્તનની જાણ કરી હતી.

આ પહેલાં જુલાઈ 2023માં અમેરિકાની સ્પિરિટ એરલાઈન્સની એક ફ્લાઈટમાં પણ આવો બનાવ બન્યો હતો. એક મહિલાએ અમેરિકાની સ્પિરિટ એરલાઈન્સની ફ્લાઈટના ફ્લોર પર મૂત્ર વિસર્જન કરી દીધું હતું. એ મહિલાએ પહેલા કર્મચારીઓ સાથે વાદવિવાદ કર્યો હતો અને શૌચાલય જવા માગતી હતી, પણ એ વધુ સમય સુધી રોકાઈ શકી નહીં અને ફ્લાઈટના ખૂણે મૂત્ર વિસર્જન કરી દીધું હતું.