મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની 350મી રાજ્યાભિષેક ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘શિવચરિત્ર – એક સોનેરી પાન’ ગીતને મંગેશકર પરિવાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મંગેશકર પરિવાર સહિત સંક્ષીત ક્ષેત્રની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન પંડિત હૃદયનાથ મંગેશકર લતા દીદીને યાદ કરી ભાવુક થયા હતાં.
લતા દીદીને યાદ કરતા પંડિત હૃદયનાથ મંગેશકરે કહ્યું કે,”જ્યારે એક હરણ તેના બચ્ચાને વાઘ દ્વારા ઉપાડી જતા જુએ છે, ત્યારે તેનું હૃદય અપાર દર્દથી ભરાઈ જાય છે. આજે આ મંચ પર હું લતા દીદીની યાદમાં તે જ પીડા અનુભવું છું.”
આ કાર્યક્રમમાં ઉષા મંગેશકર, રૂપકુમાર રાઠોડ, કૌશિકી ચક્રવર્તી, સુરેશ વાડકર, પદ્મા વાડકર, નીતિન મુકેશ, આદિનાથજી મંગેશકર, આઈઆરબીના ડાયરેક્ટર દીપાલી મહૈસ્કર, ડૉ. દીપક વાઘે, ડૉ. ગૌરી વાઘે, ડૉ. પ્રતાપ પાનરે અને આશિષ શૈલાર સહિત અનેક અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી.
પંડિત હૃદયનાથ મંગેશકર, ઉષાજી મંગેશકર, અને આશિષજી શેલારે સંયુક્ત રીતે ગીતને લોન્ચ કર્યુ હતું. જ્યારે પંડિત હૃદયનાથ મંગેશકરે લતા દીદી સાથેની કેટલીક યાદોને વાગોળી હતી, જેમ કે તેમની તાજમહેલની મુલાકાત. તેમણે યાદ કર્યું કે લતા દીદી આ સ્મારકથી કેટલા પ્રભાવિત થયા હતા. તેમણે એક ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે રાત્રે તાજમહેલમાં લતા દીદીનો અવાજ ગુંજતો હતો. એક મૌલવી જે ઠપકો આપવા આવ્યાં હતાં. પરંતુ અવાજ સાંભળી તેમણે દીદીને’કહીં દીપ જલે કહીં દિલ’ ગાવા અનુરોધ કર્યો હતો.
કૌશિકી ચક્રવર્તી, જેણે આ ગીતને અવાજ આપ્યો છે, તેણીએ આ વીર રસનું ગીત ગાવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉષા મંગેશકરે જણાવ્યું હતું કે કૌશિકીની શક્તિશાળી રજૂઆત ચોક્કસપણે શિવાજી મહારાજના 350માં રાજ્યાભિષેક સમારોહમાં પહોંચી હશે.
હૃદયનાથ મંગેશકરે જાહેરાત કરી હતી કે તેઓ શ્રી શારદા વિશ્વ મોહિની લતા મંગેશકર નામનું પુસ્તક લખી રહ્યા છે, જે તેમની પ્રિય બહેનની યાદોને તાજી કરે છે. તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે પણ વાત કરી, મરાઠા શાસકની આધ્યાત્મિક ઊંડાઈ અને યોદ્ધા તરીકે તેમની કાર્યક્ષમતાનો ઉલ્લેખ કર્યો.
શિવચરિત્ર કાર્યક્રમમાં કૌશિકી ચક્રવર્તી દ્વારા એક ગીત સહિત પ્રદર્શનનો સમાવેશ થતો હતો અને નિસર્ગ પાટીલ દ્વારા “શિવ સ્તુતિ” સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. ઉષા મંગેશકર, આદિનાથજી મંગેશકર, ડૉ. દીપક વાઝે, કૌશિકી ચક્રવર્તી, આશિષ શેલાર, અને રૂપકુમાર રાઠોડ દ્વારા વક્તવ્યો આપવામાં આવ્યા હતા. યુટ્યુબ પર એલએમ મ્યુઝિક ચેનલ પર શિવચરિત્ર જોઈ અને સાંભળી શકાય છે.