કરાચીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. આ ટેન્શન અને યુદ્ધના ભયને કારણે પાકિસ્તાનનો સ્ટોક માર્કેટમાં બ્લડબાથ થયું છે. પાકિસ્તાની ઈન્ડેક્સ રોજેરોજ નવા ઘટાડાના રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ગઈ કાલે PM મોદી દ્વારા બોલાવવામાં આવેલી હાઈ લેવલ મીટિંગના ડરથી પાકિસ્તાની બજારમાં 3500 પોઇન્ટની મોટો ઘટાડો નોંધાયો હતો. . 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પાકિસ્તાનનો બેન્ચમાર્ક KSE-100 ઈન્ડેક્સ અંદાજે 8000 પોઈન્ટ તૂટી ગયો છે.
PSX પર ‘બ્લડબાથ’
30 એપ્રિલે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) પર ‘બ્લડબાથ’ જોવા મળ્યો. બુધવારે KSE-100 ઈન્ડેક્સ એક જ દિવસે 3545 પોઈન્ટ (3.09 ટકા) તૂટી ગયો હતો અને 1,11,326.57 પર બંધ થયો હતો. પાકિસ્તાનની મોટી કંપનીઓને ભારે નુકસાન થયું હતું. LUCK, ENGROH, UBL, PPL અને FFC સૌથી વધુ નુકસાન કરનારી કંપનીઓમાં રહી છે, જેની અસરથી ઈન્ડેક્સ 1132 પોઈન્ટ નીચે આવી ગયો છે.
જોકે બજારમાં આજે થોડો ઉછાળો આવ્યો છે. KSE-100 ઈન્ડેક્સ 2179.80 પોઈન્ટ ઊછળી 1,13,506.38 પર બંધ થયો છે, પરંતુ બજાર વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે પડોશી દેશો વચ્ચે તણાવ ઘટે નહીં ત્યાં સુધી આ પ્રકારનો ઉછાળો અસ્થિર રહેશે.
પહેલગામમાં થયેલા 22 એપ્રિલે આતંકવાદી હુમલામાં એક નેપાળી નાગરિક સહિત 27 પ્રવાસીઓનાં મોત થયાં હતાં. તેના જવાબમાં ભારતે કડક પગલાં ભર્યાં છે. ભારતે સિંધુ જળ સંધિ રદ્દ કરી છે, જેને કારણે બંને દેશો વચ્ચે પાણી વહેંચણી પર અસર થઈ છે. અટારી-વાઘા સરહદ બંધ કરી દેવામાં આવી છે, જેના પરિણામે દ્વિપક્ષી જમીન માર્ગે વેપાર બંધ થયો છે.
