રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ઘરભેગા કરાશે

અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અને ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા અંગે લેવાયેલા કડક નિર્ણયોને પગલે રાજ્યમાં ઉપસ્થિત પાકિસ્તાની નાગરિકો અંગેની વિગતો બહાર આવી છે. રાજ્યમાં વિવિધ વિઝા પર રહેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં લોંગ ટર્મ વિઝા ધરાવતા કુલ ૪૩૮ પાકિસ્તાની નાગરિકો છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર ગુજરાતમાં કુલ સાત પાકિસ્તાની નાગરિકો ઉપસ્થિત છે. શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોના સ્થાનની વિગતોમાં  પાંચ નાગરિકો અમદાવાદમાં છે, જ્યારે ભરૂચ અને વડોદરામાં ૧-૧ નાગરિક છે.

લોંગ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોમાં સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં ૭૭ પાકિસ્તાની નાગરિકો છે. આ ઉપરાંત, સુરતમાં ૪૪ અને કચ્છમાં ૫૩ પાકિસ્તાની નાગરિકો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ બાકીના લોંગ ટર્મ વિઝાધારકો ઉપસ્થિત હોવાની શક્યતા છે.

ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા નાગરિકોને અટારી બોર્ડર મારફતે પાકિસ્તાન પરત મોકલવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના ભાગરૂપે, ભરૂચમાં શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર રોકાયેલા એક પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને પણ ભરૂચથી અટારી બોર્ડરે મોકલી આપી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકોની ઉપસ્થિતિ અંગેની આ વિગતો રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરવા માટે મહત્વપૂર્ણ છે. હાલના તણાવપૂર્ણ માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોની મુવમેન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.