પાકિસ્તાનઃ PM શાહબાઝ શરીફની ખુરશી ખતરામાં

પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફની ખુરશી જોખમમાં આવી શકે છે. ગઠબંધન સરકારમાં સામેલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ સમર્થન પાછું ખેંચવાનો સંકેત આપ્યો છે. બિલાવલે કહ્યું છે કે જો સંઘીય સરકાર સિંધ પ્રાંતમાં પૂર પીડિતોને આપેલા તેના વચનો પૂરા નહીં કરે તો તેમની પાર્ટી માટે સરકારમાં રહેવું ખૂબ મુશ્કેલ બનશે. પાક મીડિયા અનુસાર, પીપીપી અધ્યક્ષ બિલાવલે રવિવારે સબસિડી કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના ભાષણમાં સરકાર સામે વાંધો ઉઠાવ્યો હતો.

સિંધ પ્રાંતમાં બિલાવલની પાર્ટી પીપીપીની સરકાર છે. તેમણે પ્રાંતીય બજેટમાંથી બેનઝીર ઈન્કમ સપોર્ટ પ્રોગ્રામ (BISP)માં 8.39 અબજ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ યોજના હેઠળ, 12 એકર સુધીની ખેતીની જમીન ધરાવતા દરેક નાના ખેડૂતોને પ્રતિ એકર 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. બિલાવલે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની આગેવાની હેઠળની સંઘીય સરકારને તેના વચનની યાદ અપાવી હતી કે સબસિડી પ્રોગ્રામ દ્વારા સિંધમાં પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે 13.5 અબજ રૂપિયાની જરૂર હતી. તેથી નક્કી કરવામાં આવ્યું હતું કે સંઘીય સરકાર રૂ. 4.7 અબજની ગ્રાન્ટ આપશે અને બાકીના રૂ. 8.39 અબજ સિંધ સરકાર ભોગવશે. તેમણે કહ્યું કે અમે આ મુદ્દો નેશનલ એસેમ્બલીમાં ઉઠાવીશું.

આ સાથે બિલાવલે કહ્યું કે તે પૂર પીડિતોને આપેલા વાયદા પૂરા કરવા માટે વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ વાત કરશે. જો આ શક્ય ન હોય તો, PPP માટે સંઘીય સરકારમાં ચાલુ રાખવું ખૂબ મુશ્કેલ હશે. પીપીપીના નેશનલ એસેમ્બલીમાં 58 સાંસદો છે અને તે વર્તમાન ગઠબંધન સરકારનો મહત્વનો ભાગ છે. જો પીપીપી ટેકો પાછો ખેંચી લેશે તો વડાપ્રધાન શરીફ માટે સરકારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે.

ડિજિટલ વસ્તી ગણતરીની પદ્ધતિ સામે વાંધો

બિલાવલ ભુટ્ટોએ ડિજિટલ વસ્તી ગણતરીની પદ્ધતિ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ અસ્વીકાર્ય છે. એક પ્રાંતમાં ચૂંટણીઓ અલગ વસ્તી ગણતરીના આધારે યોજવામાં આવી હતી, અને અન્ય પ્રાંતીય ચૂંટણીઓ વિવાદિત ડિજિટલ વસ્તી ગણતરીના આધારે યોજવામાં આવી હતી. પાકિસ્તાન ગયા વર્ષે વિનાશક પૂરથી પ્રભાવિત થયું હતું, જેમાં દેશનો ત્રીજો ભાગ ડૂબી ગયો હતો અને 1,200 થી વધુ લોકો માર્યા ગયા હતા. આનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ગંભીર અસર થઈ, કારણ કે પૂરને કારણે US$30 બિલિયનથી વધુનું નુકસાન થયું હતું.