પાકિસ્તાન : કરાચીના શોપિંગ મોલમાં ભીષણ આગ, 9 લોકોના કરૂણ મોત, 1 ઘાયલ

પાકિસ્તાનના કરાચીમાં રશીદ મિન્હાસ રોડ પર સ્થિત આરજે મોલમાં આજે એટલે કે શનિવાર (25 નવેમ્બર)ને લાગેલી આગમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને એક ઘાયલ થયો છે. કરાચીમાં સ્થાનિક હોસ્પિટલ અને પોલીસના અધિકારીઓએ ડૉન ન્યૂઝને જણાવ્યું કે હોસ્પિટલોમાં નવ મૃતદેહો લાવવામાં આવ્યા છે. આઠ મૃતદેહોને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર JPMC અને એક મૃતદેહ કરાચી (CHK) સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 18 વર્ષની ઇજાગ્રસ્ત છોકરીને કરાચીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું મૃત્યુ થયું હતું.

 

આ સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ કરાચીના મુખ્યમંત્રીને પણ સોંપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, જિલ્લા ડેપ્યુટી કમિશનર અલ્તાફ શેખે જણાવ્યું હતું કે આગ પછી મોલમાંથી 22 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર JPMCમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જેમાંથી એકનું રસ્તામાં મૃત્યુ થયું હતું. આના પર ડીસીએ કહ્યું કે બિલ્ડીંગને ચોથા માળ સુધી ખાલી કરાવવામાં આવી છે, જ્યારે પાંચમા અને છઠ્ઠા માળને ખાલી કરવાનું કામ ચાલી રહ્યું છે.

સવારે 6:30 વાગ્યે મોલમાં આગ લાગી હતી

શરિયા ફૈઝલ સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) રાજા તારિક મેહમૂદે ડૉન ન્યૂઝને જણાવ્યું હતું કે જ્યાં આગ લાગી તે એક મોટી કોમર્શિયલ બિલ્ડિંગ હતી. બિલ્ડિંગની અંદર શોપિંગ સેન્ટર, કોલ સેન્ટર અને સોફ્ટવેર હાઉસ હતા. અગ્નિશમન અને બચાવ વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓને સવારે 6:30 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી, જેના પગલે તેઓએ 8 ફાયર ટેન્ડરો, બે સ્નોર્કલ્સ અને બે બાઉઝરને સ્થળ પર મોકલ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. સિંધના મહાનિરીક્ષક (IG) રિફત મુખ્તારે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે સૂચનાઓ જારી કરી હતી. તેમણે એવો પણ આદેશ આપ્યો હતો કે રસ્તો સાફ કરવામાં આવે જેથી ફાયર બ્રિગેડ કોઈ સમસ્યા વિના ત્યાં પહોંચી શકે.


કરાચીમાં 90 ટકા ઈમારતોમાં સુવિધાઓ નથી

સિંધના કાર્યકારી મુખ્ય પ્રધાન મકબૂલ બકરે આ ઘટનાની નોંધ લીધી અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો. તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મ્યુનિસિપલ કમિશનરને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, જાન-માલની જવાબદારી સરકારની છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, સરકારી એન્જિનિયરોએ શહેરની ઇમારતોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે શહેરની લગભગ 90 ટકા ઇમારતોમાં આગથી બચવા માટે કોઈ સુવિધા નથી.