પાંચ વર્ષમાં બે લાખથી વધુ કંપનીઓ બંધ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓના શટડાઉનનો સિલસિલો ઝડપથી વધ્યો છે. સરકારે સોમવારે લોકસભામાં તેના આંકડા રજૂ કર્યા હતા. કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં દેશભરમાં 2,04,268 ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે આમાંથી ઘણી કંપનીઓને નિયમો મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. તેમાં મર્જર, કન્વર્ઝન, સ્વૈચ્છિક બંધ અને લાંબા સમયથી નિષ્ક્રિય રહેવાની સ્થિતિ પણ કારણ તરીકે સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે 2022-2023 વર્ષ કોર્પોરેટ સફાઈ માટે સૌથી મહત્વનું હતું, જેમાં રેકોર્ડ 83,452 કંપનીઓ શટડાઉન થઈ હતી. તેમનું કહેવું હતું કે આનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડોરમેન્ટ કંપનીઓને દૂર કરવા માટે ચલાવવામાં આવેલા સ્ટ્રાઈક-ઓફ અભિયાન છે.

કયા વર્ષે કેટલી કંપનીઓ બંધ થઈ?

2020-21: 15,216 કંપનીઓ

2022-23: 83,452 કંપનીઓ

2023-24: 21,181 કંપનીઓ

2024-25: 20,365 કંપનીઓ

સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આ આંકડા બે લાખને પાર પહોંચી ગયા છે. સરકારે એ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ કંપનીઓના બંધ થવા પાછળ માત્ર આર્થિક મંદી અથવા ઉદ્યોગ સંકટ જ જવાબદાર નથી. કેટલાક લોકોએ પોતાનો વ્યવસાય સ્વેચ્છાએ બંધ કર્યો છે. કેટલીક કંપનીઓ મર્જર થવાને કારણે બંધ થઈ છે. જ્યારે કેટલીક કંપનીઓને કંપની અધિનિયમ-2013 મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે.