નવી દિલ્હીઃ UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) એ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. બીજી ઓગસ્ટે સૌપ્રથમ વાર એક જ દિવસમાં 70.7 કરોડથી વધુ લેવડદેવડ થઈ છે. આ આંકડો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જારી કરવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા દ્વિગણિત થઇ છે. ઓગસ્ટ 2023માં જ્યાં દરરોજ આશરે 35 કરોડ ટ્રાન્ઝેક્શન થયા કરતા હતા, ત્યાં ઓગસ્ટ, 2024માં એ વધીને 50 કરોડ અને હવે ઓગસ્ટ, 2025માં 70 કરોડનો આંક વટાવી ગયો છે.
દરરોજ 100 કરોડ ટ્રાન્ઝેક્શનનું લક્ષ્ય
હવે સરકારનું આગામી મોટું લક્ષ્ય છે કે UPI દ્વારા દરરોજ 100 કરોડ ટ્રાન્ઝેક્શન થાય. હાલના વૃદ્ધિદર જોઈને લાગે છે કે આ લક્ષ્ય આગામી વર્ષ સુધી પૂર્ણ થઈ શકે છે.
UPI પર ચાર્જ લાગશે?
જોકે આ વૃદ્ધિને જાળવી રાખવા માટે કેટલીક મહત્વની ચર્ચાઓ થઈ રહી છે કે શું આ સર્વિસ આગળ પણ મફત રહેશે? ફિનટેક કંપનીઓ અને પેમેન્ટ યુનિયનનું કહેવું છે કે તેટલા મોટા ટ્રાન્ઝેક્શન વોલ્યુમને સાથ આપવા માટે હવે MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ફરીથી લાગુ કરવો જરૂરી બની શકે છે.
RBI એ તાજેતરમાં કહ્યું છે કે UPI સિસ્ટમને આર્થિક રીતે ટકાઉ બનાવવી જરૂરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત કોઈએ તો ઉઠાવવી જ પડશે. સરકારે આ પહેલાં 2024 નાણાકીય વર્ષે UPI સિસ્ટમ માટે આશરે રૂ. 4500 કરોડની સબસિડી આપી હતી, પરંતુ FY25 માટે તે ઘટાડી રૂ. 1,500 કરોડ કરી દેવામાં આવી છે.
UPIએ Visa ને પણ પાછળ છોડ્યું
UPI હવે માત્ર ભારત જ નહીં પણ આખા વિશ્વમાં સૌથી વધુ રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટસ પ્રક્રિયા કરે છે. ગયા મહિને UPI દ્વારા લગભગ રૂ. 25 લાખ કરોડના 19.5 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા. એટલે કે દરરોજ સરેરાશ 65 કરોડ ટ્રાન્ઝેક્શન અને અંદાજે રૂ. 83,000 કરોડનું વોલ્યુમ. UPI ભારતમાં થતા તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં આશરે 85 ટકા હિસ્સો ધરાવે છે અને વિશ્વના રિયલ-ટાઇમ પેમેન્ટસમાં અંદાજે 50 ટકા ભાગ લે છે.
