અમારા હુમલાથી પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું: સેના

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ટેન્શન વચ્ચે હવે બંને દેશો સીઝફાયર માટે સહમત થયા છે. સેના દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું કે અમે જવાબદારીથી કાર્ય કર્યું છે. સેના મુજબ આપણા હુમલાથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે સાંજે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે 12 મેએ બપોરે 12 વાગ્યે ફરીથી વાતચીત કરશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી. આજે બપોરે પાકિસ્તાની DGOએ વાતચીતની પહેલ કરી, ત્યાર બાદ ચર્ચા થઈ અને સહમતી બની. અન્ય કોઈ મુદ્દે અન્ય સ્થળે વાતચીત કરવાનો કોઈ નિર્ણય થયો નથી. તે પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે સંમત થયા છે. તેના થોડા સમય બાદ પાકિસ્તાનના ડેપ્યુટી PM ઇશાક ડારે પણ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી કે બંને દેશો વચ્ચે સીઝફાયર અંગે સહમતી થઈ છે.

સંરક્ષણ મંત્રાલય તરફથી સોફિયા કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાને ખોટા આરોપ લગાવ્યા કે ભારતીય સેના દ્વારા મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને અમારી સેનાને ભારતના બંધારણીય મૂલ્યોનો ખૂબ આદર છે.

ભારતના હુમલાથી પાકને મોટું નુકસાન – ભારતીય સેના
સેનાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે જવાબદારીથી કાર્ય કર્યું. સેના મુજબ આપણા હુમલાથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે.
કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાને દાવો હતો કર્યો કે તેના JF-17 વિમાનો દ્વારા આપણા S-400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે. તેણે ખોટી માહિતીના અભિયાન હેઠળ એ પણ જાહેર કર્યું હતું કે સિરસા, જમ્મુ, પઠાણકોટ, ભઠિંડા, નલિયા અને ભૂજમાં આપણા એરપોર્ટોને નુકસાન થયું છે – અને આ માહિતી પણ સંપૂર્ણ રીતે ખોટી છે.

સેનાએ કહ્યું હતું કે ભારતમાં બધા એરબેઝ સુરક્ષિત છે, પણ પાકિસ્તાનના એરબેઝને ભારે નુકસાન થયું છે. છેલ્લા 12 કલાકમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. LOC  પર પાકિસ્તાનને જબરદસ્ત નુકસાન થયું છે. દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેના તૈયાર છે.