ઓસ્કાર 2025માં હોસ્ટ કોનન ઓ’બ્રાયને હિન્દીમાં ભારતીય દર્શકોને કહ્યું…

લોસ એન્જલસ: 97મા એકેડેમી એવોર્ડ્સને આ વખતે કોનન ઓ’બ્રાયન હોસ્ટ કર્યો હતો. કોનન ઓ’બ્રાયને પ્રથમ વખત ઓસ્કારની હોસ્ટિંગની કમાન સંભાળી હતી અને પોતાના ડેબ્યૂમાં જ ઈતિહાસ રચ્યો. ઓસ્કારનું લાઈવ ટેલિકાસ્ટ ઘણા દેશોમાં જોવાતું હોવાથી તેણે માત્ર અંગ્રેજીમાં જ નહીં પરંતુ સ્પેનિશ, હિન્દી, ચાઈનીઝ અને અન્ય ભાષાઓમાં પણ લોકોને આવકાર્યા હતા. એવામાં કોનન ઓ’બ્રાયને હિન્દીમાં શું કહ્યું હતું?

કોનન ઓ’બ્રાયને શું કહ્યું?

હોસ્ટ કરતી વખતે, હોસ્ટ કોનન ઓ’બ્રાયન હિન્દીમાં બોલ્યા, ‘નમસ્કાર, અત્યારે ભારતમાં સવાર છે, તેથી મને આશા છે કે તમે નાસ્તો કરતા સમયે 97મા એકેડેમી એવોર્ડનો આનંદ માણી રહ્યા હશો.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોનન ઓ’બ્રાયન એવા પ્રથમ હોસ્ટ છે જેમણે એકેડેમી એવોર્ડ સ્ટેજ પર હિન્દીમાં વાત કરી છે.

કોણ છે કોનન ઓ’બ્રાયન?

કોનન ક્રિસ્ટોફર ઓ’બ્રાયન એક અમેરિકન ટેલિવિઝન હોસ્ટ, હાસ્ય કલાકાર, અભિનેતા, લેખક અને નિર્માતા છે. તે NBC ટેલિવિઝન નેટવર્ક પર લેટ નાઈટ વિથ કોનન ઓ’બ્રાયન (1993–2009) અને ધ ટુનાઈટ શૉ વિથ કોનન ઓ’બ્રાયન (2009–2010) અને કેબલ ચેનલ TBS પર કોનન (2010–2021) થી શરૂ થતા લેટ-નાઈટ ટોક શૉ હોસ્ટ કરવા માટે જાણીતો છે.