OpenAIના સેમ અલ્ટમેને પર્સનલ કોમ્પ્યુટર્સમાં વપરાતી RAM સામે ઉઠાવ્યા સવાલ

અમેરિકા: ઓપનએઆઈ (OpenAI)ના સીઈઓ સેમ અલ્ટમેને એક પોડકાસ્ટ દરમિયાન આપેલા નિવેદનથી ટેક જગતમાં નવી ચર્ચા છેડી દીધી છે. અલ્ટમેનના મતે, વિશ્વભરના પર્સનલ કોમ્પ્યુટર્સ (PCs)માં વપરાતી રેમ (RAM) જ્યારે પૂરતો ઉપયોગ થયા વગર પડી રહે છે, ત્યારે તે વૈશ્વિક સ્તરે સંસાધનોનો બગાડ છે, કારણ કે બીજી તરફ AI ડેટા સેન્ટર્સમાં અત્યારે મેમરીની ભારે અછત સર્જાઈ રહી છે.

વૈશ્વિક સ્તરે મેમરી (DRAM) ની તંગી અને સપ્લાય ચેઈનની સમસ્યાઓ વચ્ચે એક પોડકાસ્ટમાં વાત કરતા અલ્ટમેને જણાવ્યું હતું કે લોકો પોતાના કમ્પ્યુટરમાં રેમ રાખે છે પરંતુ તેનો વપરાશ માંડ ૫ ટકા જેટલો જ થાય છે. તેમણે તર્ક આપ્યો છે કે ગ્લોબલ એલોકેશનના દ્રષ્ટિકોણથી આ સ્થિતિ યોગ્ય નથી કારણ કે ક્લાઉડ ડેટા સેન્ટર્સમાં આ મેમરીનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.

હાલમાં AI કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં ડેટા સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્માર્ટફોન અને લેપટોપ જેવા ઉપકરણોમાં વપરાતી રેમના ભાવ અને માંગ પર પણ મોટી અસર પડી રહી છે. જો કે, બીજી તરફ નિષ્ણાતો માને છે કે સ્થાનિક સ્તરે AI મોડેલ્સ ચલાવવાથી યુઝર્સને પ્રાઈવસી અને સુરક્ષા જેવા ફાયદાઓ પણ મળે છે.