ઇતિહાસની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાંની એકઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુજરાતના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને “ભયાનક અને દિલ દહેલાવનારી” ગણાવતાં તેને વિમાનના ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણાવી છે. તેમણે ભારતમાં દુર્ઘટનાગ્રસ્તો માટે સહાયની ઓફર પણ કરી છે.

ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત આ સંકટને પાર કરવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જે મદદની જરૂર પડશે, તે માટે અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે.

અમદાવાદની વિમાન દુર્ઘટના અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના ખૂબ જ ભયાનક હતી. મેં પહેલેથી જ તેમને જણાવી દીધું છે કે અમે શક્ય હોય તેવી બધી મદદ માટે તૈયાર છીએ. ભારત એક મોટો અને શક્તિશાળી દેશ છે, મને ખાતરી છે કે તેઓ આ પરિસ્થિતિને સંભાળી લેશે, આ દુર્ઘટનામાં મોટા ભાગના લોકોનાં મોત થયાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું આ દુર્ઘટના ખરેખર દુઃખદ છે. વિમાન ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક કહેવાય.

બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન, જેમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા, ગુરુવારે બપોરે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી ઉડાન ભરી પછી થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. એ એર ઈન્ડિયાનું વિમાન એરપોર્ટની પરિસરમાં આવેલી ડોક્ટરોની હોસ્ટેલની ઇમારત પર તૂટી પડ્યું.

અહમદાબાદના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે વિમાન ઉડાન પછી દુર્ઘટનાગ્રસ્ત થયું અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તે ડોક્ટરોના હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું.