દ્વારકામાં 200 ધાર્મિક સ્થળોને નોટિસ

દ્વારકાઃ જિલ્લાના વહીવટી તંત્રએ ધાર્મિક સ્થળોએ દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી છે. આ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આપવામાં આવી છે, તે પૈકી ઘણાં તો આઝાદી પહેલાંનાં છે. આ ધાર્મિક સ્થળોએ લોકો જ્ઞાતિ, જાતિ ધર્મ બાજુએ મૂકી રંગેચંગે તહેવારો ઊજવે છે. હવે સવાલ એ છે ધાર્મિક સ્થળોને તોડી સરકાર જ સૌહાર્દપૂર્ણ વાતાવરણને કેમ ડહોળી રહી છે? CMને પત્ર લખી કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ આ આક્ષેપો કર્યા હતા.

જિલ્લાના મોટા ભાગનાં ધાર્મિક સ્થળોમાં તાલુકા-જિલ્લા પંચાયત જ નહીં, ધારાસભ્ય-સાંસદોએ ભૂતકાળમાં ગ્રાન્ટ ફાળવી છે. સરકારી ગ્રાન્ટમાંથી જ ધાર્મિક સ્થળોએ વિવિધ કામો થયાં છે. તો શું દબાણ વાળી જગ્યાએ ધાર્મિક સ્થળની પૂરી ચકાસણી કર્યા વગર જ ગ્રાન્ટ વાપરવામાં આવી હતી.

આ ધાર્મિક સ્થળોમાં ગ્રાન્ટ વાપરવામાં આવી ત્યારે તેની કાયદેસરતા કેમ ચકાસવામાં ન આવી, આ ધાર્મિક સ્થળોની માવજત, મરામત કે તેમના વિકાસમાં સરકાર પોતે રૂપિયા વાપરે તેને ગેરકાયદે કેવી રીતે કહેવાય.

ચાલુ વર્ષે જ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂા. 20 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. હવે એક બાજુ, સરકાર ધાર્મિક સ્થળો માટે ગ્રાન્ટ ફાળવે છે તો બીજી તરફ, ધાર્મિક સ્થળોને ગેરકાયદે ઠેરવી તોડી પાડવા કાર્યવાહી કરે છે. સરકારની આ બેધારી નીતિ  સામે સ્થાનિકો સવાલ પૂછી રહ્યા છે.

આ જ વિસ્તારમાં ગેરકાયેદ વિન્ડફાર્મ ઊભા કરાયા છે તેની સામે કોઇ કાર્યવાહી થતી નથી. શહેરી વિસ્તારોમાં ભાજપના મળતિયાઓના ગેરકાયેદ બાંધકામોને તોડી પાડવામાં આવતા નથી. એવી પણ માગ કરવામાં આવી છે, ધાર્મિક સ્થળો માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવે.