ભારત-અમેરિકા નહીં, આપણે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી : નવાઝ શરીફ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે દેશમાં પ્રવર્તી રહેલી કટોકટી માટે સૈન્ય સંસ્થાન પર નિશાન સાધતા કહ્યું કે, રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશની સમસ્યાઓ માટે ન તો ભારત જવાબદાર છે કે ન તો અમેરિકા, બલ્કે આપણે પોતાને પગમાં જાતે જ કુહાડી મારી છે. ચોથી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બનવાનું સપનું જોઈ રહેલા 73 વર્ષીય શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ટિકિટના દાવેદારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેમને ત્રણ વખત સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની સ્થિતિ માટે ખુદ પાકિસ્તાન જ જવાબદાર

તેઓએ કહ્યું કે, પાકિસ્તાન આજે જે પરિસ્થિતિમાં છે તેના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી. હકીકતમાં અમે પોતાને પગમાં કુહાડી મારી છે. તેમણે લશ્કરી સરમુખત્યારોને કાયદેસર બનાવવા માટે ન્યાયાધીશોની ટીકા કરી હતી. કહ્યું કે ન્યાયાધીશો લશ્કરી સરમુખત્યારોને પ્રોત્સાહન આપે છે અને જ્યારે તેઓ બંધારણ તોડે છે ત્યારે તેમના શાસનને કાયદેસર બનાવે છે. જ્યારે વડા પ્રધાનની વાત આવે છે, ત્યારે ન્યાયાધીશો તેમને પદ પરથી દૂર કરવાની મંજૂરી આપે છે. ન્યાયાધીશો સંસદને વિસર્જન કરવાના કાર્યને પણ મંજૂરી આપે છે.