NEET પરીક્ષા પેપર લીક કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBIએ રવિવારે કેસ નોંધ્યો છે. સીબીઆઈએ આઈપીસી કલમ 420, છેતરપિંડી અને 120બી એટલે કે ષડયંત્ર હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ આ એક અલગ કેસ નોંધ્યો છે. બિહાર અને ગુજરાતના કેસ હાથ ધરવામાં આવ્યા નથી. આ બંને રાજ્યોની પોલીસ હાલ તેમના સ્તરે તપાસ કરી રહી છે અને ધરપકડ કરી રહી છે.
સીબીઆઈ તેના કેસમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે બિહાર અને ગુજરાત પોલીસનો સંપર્ક કરશે. બંને રાજ્યોની પોલીસની સંમતિ પછી અને જ્યારે જરૂર પડે ત્યારે તેમનો કેસ કબજે કરી શકાય છે અને કેસ ડાયરી લઈ શકાય છે. અગાઉ યુજીસી નેટ કેસમાં પણ શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઈએ અજાણ્યા લોકો સામે છેતરપિંડી અને ષડયંત્રની કલમો હેઠળ નિયમિત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સીબીઆઈની દિલ્હી યુનિટ આ સમગ્ર મામલાની તપાસ કરશે.
NEET સિવાય પણ આ પરીક્ષાઓ વિવાદોમાં રહી હતી
આ પહેલા શનિવારે કેન્દ્ર સરકારે NEET કેસની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે, શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે.”
NEET UG સાથે, વધુ ત્રણ પરીક્ષાઓ UGC NET, CSIR UGC NET અને NEET PG પણ વિવાદોમાં રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા UGC નેટ પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે CSIR UGC NET અને NEET PG પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયામાં સુધારો કરવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને NTAના માળખાને સુધારવા માટે ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે.