ચિરાગ પાસવાનના તેવરથી NDA ટેન્શનમાં

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાતને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી ન તો NDAમાં અને ન મહાગઠબંધનમાં બેઠકોને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. બધા પક્ષો એકબીજા સાથે સોદાબાજીમાં વ્યસ્ત છે. ચિરાગ પાસવાનની LJP (રામવિલાસ) અને જીતન રામ માંઝીની હમ પાર્ટી ભાજપ સાથે વાટાઘાટોમાં લાગી છે. બીજી તરફ, મહાગઠબંધનમાં VIP પાર્ટીના પ્રમુખ મુકેશ સહની RJD સાથે ચર્ચા કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પણ આરજેડી સાથે બેઠકોને લઈને સખત વાટાઘાટ કરી રહી છે. આ વખતે કોંગ્રેસ જિતાવી શકે તેવી બેઠકો પર નજર માંડીને બેઠી છે.

ભાજપમાં કેવી હલચલ

ભાજપ પોતાના સહયોગી ચિરાગ પાસવાનને મનાવવા માટે પ્રયત્નશીલ છે. ચિરાગ સાથે ભાજપ બીજી રાઉન્ડની વાતચીત કરવાની છે. ચિરાગ હાલ દિલ્હીમાં છે અને તેમની સાથે બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, વિનોદ તાવડે અને મંગલ પાંડે મુલાકાત કરશે. ચિરાગે આજ કહ્યું છે કે ચર્ચા ચાલુ છે. બીજી તરફ, નારાજ જીતન રામ માંઝીને મનાવવા માટે ભાજપપ્રમુખ જે.પી. નડ્ડાએ જાતે વાત કરી છે. ભાજપ માંઝીને વિશ્વાસ અપાવી રહી છે કે તેમનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.

આ ઉપરાંત ભાજપે તમામ વિધાનસભા બેઠકો માટે ત્રણ-ત્રણ ઉમેદવારોના નામ તૈયાર કર્યા છે. જલ્દી જ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે અને તેમાં અંતિમ નામોને મંજૂરી આપવામાં આવશે.

ચિરાગની નારાજગી કેવી રીતે દૂર થશે?

ભાજપ માટે સૌથી મોટી મુશ્કેલી ચિરાગ પાસવાનને મનાવવામાં છે. ચિરાગ ભાજપ પાસેથી 30થી વધુ બેઠકોની માગ કરી રહ્યા છે. ચિરાગે જણાવ્યું હતું કે ભાજપ સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે મારા પર ઘણી જવાબદારીઓ છે. જેટલા સમય સુધી હું મંત્રી છું, તેટલા સમય સુધી મંત્રાલયની જવાબદારી પણ મારી છે, તેથી હું તે કામ પણ જોઈ રહ્યો છું.