રેસ્ટોરન્ટમાલિકો ઝોમેટો, સ્વિગીની ડિસ્કાઉન્ટ યોજનાઓની વિરુદ્ધમાં

મુંબઈઃ રેસ્ટોરન્ટમાલિકોના રાષ્ટ્રીય સંગઠન – નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ તેના સભ્યોને લેખિતમાં સલાહ આપી છે કે ઝોમેટો પે અને સ્વિગી ડાઈનર ડિસ્કાઉન્ટ યોજનાઓનો આપણે વિરોધ કરીએ છીએ, કારણ કે આ બંને રેસ્ટોરન્ટમાલિકોનાં હિતની વિરુદ્ધમાં છે.

સલાહમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રેસ્ટોરન્ટમાલિકો ઝોમેટો પે અને સ્વિગી ડાઈનર પ્રોગ્રામ્સ પર સાઈન-અપ કરે છે ત્યારે ‘વચેટિયાઓ’ ઝોમેટો અને સ્વિગી એવી રેસ્ટોરન્ટોના ભોગે કમાણી કરે છે. આ ડિસ્કાઉન્ટ પ્રોગ્રામ્સમાં સામેલ થનાર રેસ્ટોરન્ટોને 15-40 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાની ફરજ પડાય છે અને આ બંને પ્લેટફોર્મ પરના પ્રત્યેક સોદા ઉપર વચેટિયાઓને 4-12 ટકા કમિશન ફી પણ ચૂકવવી પડે છે.

એનઆરએઆઈ સંસ્થાનું સભ્યોને વધુમાં કહેવું છે કે, અહીં મૂળભૂત સવાલ એ છે કે કોઈ રેસ્ટોરન્ટે તેના પોતાના ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવા માટે કોઈ વચેટિયાને કમિશન શા માટે ચૂકવવું જોઈએ?