સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તિસ્તાને મોટી રાહત આપતાં વચગાળાના જામીન આપ્યા હતા. ત્રણ જજો – જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ભટની બેન્ચે તિસ્તાની જામીન અરજી પર સુનાવણી કરી હતી. અરજીકર્તા એક મહિલા છે, જે બે મહિનાથી હિરાસતમાં છે. જે મામલો છે એ 2002-2010ની વચ્ચેના દસ્તાવેજનો છે. તપાસ મશીનરીને સાત દિવસ સુધી તેને પૂછવાની તક મળી હશે. રેકોર્ડમાં મોજૂદ પરિસ્થિતિઓને જોતાં અમારો વિચાર છે કે હાઇકોર્ટે મામલો લાંબા સમય રહેતાં વચગાળાના જામીન પર વિચાર કરવો જોઈતો હતો.

ગુજરાત સરકાર દ્વારા SG તુષારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે યોગ્ય સમયે આ કેસ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ત્રણ ઓગસ્ટે હાઇકોર્ટની પાસે 168 કેસો હતા. ગુજરાત હાઇકોર્ટના CJએ ઓટો લિસ્ટ પદ્ધતિ શરૂ કરી છે. જ્યાં જામીન અરજીમાં દસ્તાવેજો વગેરે દાખલ કરવામાં આવે છે.સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને એવું પણ પૂછ્યું કે કોર્ટના નિર્ણય સિવાય બીજું તમારા પાસે શું છે, શું તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરાઈ છે? જસ્ટિસ લલિતે એવું પણ કહ્યું કે આવા મામલામાં જામીન આપવા અંગે કોઈ પ્રતિબંધ નથી. તેમણે એવું પણ કહ્યું છે કે એક મહિલા પ્રત્યે આવા મામલાને અન્ય દ્રષ્ટિકોણથી જોવાની પણ જરૂરિયાત છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તિસ્તા સેતલવાડની અરજી પર સવાલ ઉઠાવતાં કહ્યું છે કે મામલો હજુ પણ ગુજરાત હાઈકોર્ટમાં વિચારાધીન છે. તેમણે એ વાતે આપત્તિ વ્યક્ત કરી છે તિસ્તાએ સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ગુજરાત પોલીસે 25 જૂને તિસ્તા સેતલવાડ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તે પહેલા 24 જૂને સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે ગુજરાત રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ક્લીનચીટ પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે કોર્ટે કેટલીક આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. તેના એક દિવસ બાદ જ ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ સામે કેસ દાખલ કર્યો હતો. ઝાકિયા જાફરીને કેસ લડવામાં તિસ્તા સેતલવાડે ટેકો આપ્યો હતો.