નવી દિલ્હી: શું તમે તમારા સ્માર્ટફોનમાં બ્લુટૂથનો ઉપયોગ કરી રહ્યા છો? તો તમારે માટે ખરાબ સમાચાર છે. એક ખામીને પગલે બ્લુટૂથનો ઉપયોગ કરી રહેલા કરોડો યુઝર્સના ડેટા પર ખતરો હોવોનું સિક્યોરિટી રિસર્ચર્સે જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર બ્લુટૂથ સપોર્ટ કરતા તમામ ડિવાઈસીસના બ્લુટૂથ વાયરલેસ પ્રોટોકોલમાં ખામી જોવા મળી છે. આ ખામીને પગલે હેકર્સ યુઝર્સના ફોનમાં રહેલા ડેટાને ચોરી શકે છે.
સ્માર્ટફોનમાં આવેલી ખામીને BIAS (Bluetooth Impersonation Attacks) નામ આપવામાં આવ્યું છે. ટેક રડારના રિપોર્ટ અનુસાર આ ખામી બ્લુટૂથ પ્રોટોકોલના ક્લાસિક વર્ઝનને પ્રભાવિત કરે છે. ઓછા પાવરવાળા ડિવાઈસીસ ડેટા ટ્રાન્સફર માટે જે પ્રોટોકોલનો ઉપયોગ કરે છે તેને બ્લુટૂથ ક્લાસિક કહેવામાં આવે છે.
શોધકર્તાઓએ આ એટેકનું ટેસ્ટિંગ કેટલીક જાણીતી ટેક કંપનીઓના ડિવાઈસીસ પર કર્યું. જેમાં એપલ, સેમસંગ, ગૂગલ, નોકિયા, એલજી અને મોટોરોલાના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. સ્માર્ટફોન ઉપરાંત BIAS એટેક એચપી, લેનોવો અને એપલ મેકબુકને પણ નુકસાન પહોંચાડી શકે છે.
સ્માર્ટફોન પર બગ કેવી રીતે કામ કરે છે એ સમજાવતા શોધકર્તાએ કહ્યું કે આ પેયર્ડ બ્લુટૂથ ડિવાઈસીસ પર એટેક કરે છે. કોઈપણ હેકર સ્માર્ટફોન સાથે પેયર્ડ થયેલી અગાઉના ડિવાઈસની પણ ઓળખ કરી શકે છે અને તેને સરળતાથી ઓથેન્ટિકેટ પણ કરી શકે છે. આમાં ચિંતાજનક વાત એ છે કે, ડિવાઈસને પેયર કરવા માટે હેકર્સને પેયરિંગ કોડની પણ જરૂર નથી પડતી. BIAS એટેકની મદદથી હેકર અન્ય બ્લુટૂથ ક્લાસિક ડિવાઈસને પણ સંપૂર્ણ રીતે કન્ટ્રોલ કરી શકે છે. Bluetooth SIG દ્વારા આ ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ કંપની તેમના બ્લુટૂથ કોર સ્પેસિફિકેશનને અપડેટ કરી રહી છે.