તમે ભારત માતાની હત્યા કરી છે, તમે દેશદ્રોહી છોઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ સંસદના મોન્સુન સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. સંસદ સભ્યપદ પાછું મળતાં પહેલી વાર સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ ભાષણનો પ્રારંભ કરતાં સભ્યપદ પરત મળવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપ પર વધુ આક્રમક વલણ નહીં અપનાવે.

મણિપુરના મુદ્દે તેમણે વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાન મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર ભારતમાં નથી?  મણિપુરમાં ભારત માતાની હત્યા કરવામાં આવી છે. તમે દેશપ્રેમી નથી, તમે દેશદ્રોહી છો. તમે ભારત માતાના હત્યારા છો. તમે મારી માતાને મારી છે. જ્યાં સુધી તમે મણિપુરમાં શાંતિ નહીં સ્થપાય, ત્યાં સુધી તમે હત્યારા કહેવાશો. વડા પ્રધાન હવે હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા. હવે તેઓ માત્ર બે લોકોનો જ અવાજ સાંભળે છે- જેમ રાવણ બે લોકોનું સાંભળતો હતો, તેમ મોદીજી બે લોકોને સાંભળે છે. અમિત શાહ અને અદાણી. રાવણના અહંકારે તેને માર્યો હતો.  તમે મણિપુર બે ભાગોમાં વહેંચી દીધું છે. એને તોડી નાખ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આજે એ સાચું છે કે મણિપુર નથી બચ્યું. મેં મણિપુરમાં મહિલાઓ સાથે વાત કરી હતી.  હું રાહત શિબિરોમાં ગયો છું. મને એક મહિલાએ કહ્યું હતું કે મારી આંખો સામે મારા પુત્રને ગોળી મારવામાં આવી છે. મેં મારું ઘર છોડી દીધું છે. મારી પાસે માત્ર મારાં કપડાં છે. રાહુલ ગાંધીના નિવેદન પર સત્તા પક્ષે હંગામો કરી દીધો. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજુએ કહ્યું હતું કે મણિપુરમાં સાત દાયકામાં જે થયું છે, એના માટે કોંગ્રેસ જવાબદાર છે. રાહુલે એ માટે માફી માગવી જોઈએ.