યોગી આદિત્યનાથે રામલલ્લાને હંગામી મંદિરમાં ખસેડ્યા

અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી હતી. એના થોડા કલાકોમાં જ  ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામલલ્લાને હંગામી મંદિરમાં ખસેડ્યા હતા. તેમણે ટિન શેડથી ખસેડીને ફાઇબરના બનેલા હંગામી ઢાંચાના મંદિરમાં રામલલ્લાને વિરાજિત કર્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આ કાર્યક્રમમાં માત્ર 15-20 લોકો જ હાજર હતા. હવે જ્યાં સુધી મંદિર નિર્માણનું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી રામલલ્લા આ જ મંદિરમાં રહેશે. અયોધ્યા વહીવટી તંત્રએ બે એપ્રિલ સુધી તીર્થસ્થળમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વડા પ્રધાને કોરોના વાઇરસના જોખમને લીધે દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરી હતી.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંદિર નિર્માણ માટે રૂ. 11 લાખનો ચેક પણ આપ્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે અયોધ્યા કરતી આહવાન…ભવ્ય રામ મંદિરના પહેલા તબક્કાનું કાર્ય સંપન્ન થયું છે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ત્રિપાલથી નવા આસનમાં વિરાજમાન થયા છે. માનસ ભવનની પાસે એક હંગામી ઢાંચામાં રામલલ્લાની મૂર્તિને સ્થળાંતરિત કરવામાં આવી છે. ભવ્ય મંદિરના નિર્માણ માટે રૂ. 11 લાખનો ચેક પણ ભેટ કર્યો.