હિમવર્ષા, ભૂસ્ખલને કેદારનાથ, બદરીનાથ ધામો તરફની યાત્રાઓ અટકાવી

દેહરાદૂન – કેદારનાથ તથા બદરીનાથ યાત્રાધામોમાં સોમવાર રાતથી શરૂ થયેલી અને મંગળવારે સવારે પણ ચાલુ રહેલી હિમવર્ષા તથા એની સાથે પડેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનની ઘટનાઓને કારણે આ યાત્રાધામો તરફની યાત્રા આજે અનેક કલાકો સુધી સ્થગિત કરી દેવી પડી હતી. સત્તાવાળાઓએ યાત્રાળુઓને લિંચોલી અને ભીમબલીથી આગળ જતા રોક્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે ફોન પર વાતચીત કરી હતી અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી તથા કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવત સહિત કોંગ્રેસના છ સંસદસભ્યો-નેતાઓ કેદારનાથ ધામ ખાતે ગયા છે અને આજે ત્યાં અટવાઈ ગયા છે. હવામાન પ્રતિકૂળ હોવાથી આ નેતાઓને પાછા લાવવા માટે હેલિકોપ્ટર મોકલી શકાયું નહોતું. હરીશ રાવતે ગયા રવિવારે કેદારનાથની યાત્રા શરૂ કરી હતી. તે સોમવારે પાછા ફરવાના હતા.

બદરીનાથ ખાતે હિમવર્ષાને કારણે કંચનગંગા ખાતે રસ્તો બ્લોક થઈ ગયો હતો.

બદરીનાથથી આશરે 15 કિ.મી. દૂર આવેલા લંબાગડ ખાતે ભેખડો ધસી પડી હતી અને વરસાદ પણ ભારે ચાલુ હોવાથી સાંજે ચાર વાગ્યા સુધી બદરીનાથ તરફની યાત્રા રોકી દેવામાં આવી હતી. યાત્રાળુઓ સાથેના વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા.

મોડી સાંજે રૂટ ફરી ખુલ્લો મૂકાયો હતો. જોશીમઠ નજીક વાહનોની લાંબી કતાર લાગી હતી.

ઋષિકેશ-યમુનોત્રી નેશનલ હાઈવે પણ ભેખડો ધસી પડવાને કારણે બ્લોક થઈ ગયો હતો.