આજથી સંસદનું શિયાળુ સત્રઃ વિપક્ષ-સરકારની ટક્કર નિશ્ચિત

નવી દિલ્હીઃ સંસદનું શિયાળાની મોસમનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં અનેક મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ઘેરવા વિરોધપક્ષ સજ્જ બન્યો છે. સરકારે વિરોધ પક્ષોને વિનંતી કરી છે કે તેઓ સંસદની કાર્યવાહીને સરળતાપૂર્વક ચાલવા દે.

લોકસભામાં આજે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાનો ખરડો સરકાર રજૂ કરશે. ફાર્મ લોઝ રીપેલ બિલને કેન્દ્રીય પ્રધાનમંડળે ગયા અઠવાડિયે પાસ કરી દીધો હતો. આ ખરડાને આજે લોકસભા પાસ કરી દેશે તે પછી રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ખેત ઉત્પાદનો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નિશ્ચિત કરવાની ખેડૂતોના સંગઠનોએ માગણી કરી છે તેથી તે માટેનો કાયદો ઘડવા માટે વિપક્ષ મોદી સરકાર પર દબાણ લાવવા ધારે છે. MSP નિશ્ચિત કરી તેને કાનૂની બળ પૂરું પાડવાનો મુદ્દો વિરોધપક્ષોએ ઉઠાવ્યો છે.

સરકાર આ જ સત્રમાં ક્રિપ્ટોકરન્સી ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો અને ભારતીય રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સીનો માર્ગ મોકળો કરતો ખરડો પણ રજૂ કરે એવી ધારણા છે. સરકારે ગઈ કાલે સત્રની પૂર્વસંધ્યાએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી એમાં 31 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે પૂરું થવાનું છે.