નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર રાષ્ટ્રને સંબોધન કરે એવી શક્યતા છે. તેમણે આ પહેલાં વાઇરસના જોખમને ધ્યાનમાં લેતાં પહેલેથી જ સાવચેતી સ્વરૂપે દેશભરમાં સંપૂર્ણ 21 દિવસનું લોકડાઉન કર્યું છે, જે આવતા મંગળવારે (14 એપ્રિલે) પૂરું થવાનું છે. હવે અનેક રાજ્યોએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકકડાઉન વધારવાની માગ કરી છે અને ઓરિસ્સાએ તો આ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારી દીધું છે. હવે આવતી કાલે શનિવારે વડા પ્રધાન વિડિયો કોન્ફરન્સિંગથી રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજવાના છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકડાઉન વધારવામાં આવે પૂરેપૂરી શક્યતા છે. જોકે વડા પ્રધાન આ વખતે કેટલાક ફેરફારો સાથે લોકડાઉનનો સમયગાળો વધારે એવી સંભાવના છે.જેમાં આવશ્યક સેવાઓ સિવાય આંતરરાજ્ય આવ-જા પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત સ્કૂલ, કોલેજ અને ધાર્મિક સંસ્થાઓ પણ બંધ રહેશે. જોકે કેટલાંક ક્ષેત્રોમાં રાહતો આપે અને લોકડાઉનમાં આંશિક રાહતો જાહેર કરે એવી સંભાવના છે.
કેટલાંક ક્ષેત્રોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ખોલાશે
સૂત્રોના જણાવ્યાનુસાર દેશમાં લાંબા લોકડાઉનને કારણે આર્થિક મંદીને ધ્યાનમાં રાખતા વડા પ્રધાન કેટલાંક ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સાથે થોડીક છૂટછાટ આવપે એવી શક્યતા છે. કોરોના વાઇરસને પગલે હવાઈ ક્ષેત્રે સંપૂર્ણ ઠપ છે, જેથી અનેક લોકો અટવાઈ ગયા છે.અને આ ક્ષેત્રે એરલાઇન્સોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે, જેથી એરલાઇન્સોને બધા કલાસિસની વચ્ચે સીટ ખાલી રાખવા સાથે ઉડાન શરૂ કરવા મંજૂરી આપે એવી શક્યતા છે.
નોંધપાત્ર વાત એ છે કે બુધવારે ઓલ પાર્ટી મીટિંગમાં પણ વડા પ્રધાન મોદીએ લોકડાઉન વધારવાના સંકેત આપ્યા હતા. સર્વપક્ષી બેઠકમાં ભાગ લીધેલા વિપક્ષના નેતાઓના જણાવ્યા મુજબ વડા પ્રધાને કહ્યું હતું કે સરકારની પ્રાથમિકતા દરેક વ્યક્તિના જીવનનું રક્ષણ કરવાની છે. દેશની પરિસ્થિતિ આ સમયે સામાજિક કટોકટી જેવી છે. તેમણે કહ્યું કે કોવિડ-19 ફેલાયા પછી જીવન એકસરખું રહ્યું નથી. લોકોની જિંદગી પહેલાં જેવી નથી રહી. એટલે લોકોએ વ્યવહારુ રીતે સામાજિક અને વ્યક્તિગત વ્યવહારમાં બદલાવ લાવવો પડશે