શું રાજસ્થાનમાં પણ મધ્ય પ્રદેશવાળી થશે?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા ગજાના નેતાને ખોઈ ચૂકેલી કોંગ્રેસ માટે હજી એક વધુ પડકાર બાકી છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં અને પછી જે ઘટનાક્રમ થયો એ ડિટ્ટો મધ્ય પ્રદેશ જેવો જ છે. રાજસ્થાનમાં પણ સિંધિયાવાળી થવાની સંભાવનાને નકારી શકાય એમ નથી, કેમ કે રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર બીજી વાર એ સચિન પાઇલટની જ મહેનતનું પરિણામ છે.

બંને નેતાઓ વચ્ચે ખેંચતાણ

રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળતાં જ સચિન પાઇલટે અનેક મુદ્દે સરકારને ઘેરી હતી. તેમની આકરી મહેનતને પરિણામે કોંગ્રેસ પુનઃ સત્તા મેળવી શકી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી, પણ કોંગ્રેસના પ્રમુખે સચિન પાઇલટને નજરઅંદાજ કરીને મુખ્ય પ્રધાનપદે તરીકે અશોક ગહેલોતને આરૂઢ કર્યા હતા અને સચિન પાઇલટને ઉપ મુખ્ય પ્રધાન બનાવવાની જાહેરાત કરી હતી.

પોતાની સરકાર પર સવાલ કરતા સચિન પાઇલટ

મધ્ય પ્રદેશમાં જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપેક્ષા કરવાથી કોંગ્રેસને નુકસાન ખમવું પડ્યું હતું, એ જ રીતે સચિન પાઇલટમાં પણ બળવાનાં એંધાણ દેખાઈ રહ્યાં છે. તેમણે ખુલ્લેઆમ હોસ્પિટલોમાં બાળકોનાં મોતના મામલે પોતાની સરકારની ટીકા કરી હતી અને કહ્યું કે આમાં જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે કહ્યું કે આટલા ઓછા સમયમાં આટલા બધા બાળકો મરી જાય તો કોઈ ને કોઈ કારણ તો હોવું જોઈએ. વહીવટી ખામીઓ, સંસાધન, ડોક્ટર, સ્ટાફ, નર્સિંગ સ્ટાફની અછત, લાપરવાહી હકી કે અપરાધિક લાપરવાહી હતી એ માટે અહેવાલ તૈયાર થઈ રહ્યો છે, પણ જવાબદારી તો નક્કી કરવી પડશે. આમ તેમણે પોતાની સરકાર પર સવાલ ઊભા કર્યા હતા.

સચિન પાઇલટને CM બનાવવાની માગ ફરી થઈ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની રાજસ્થાનમાં મોટા હાર થઈ હતી. અશોક ગહેલોત પુત્રની સીટ પણ બચાવી ના શક્યા. ત્યાર બાદ એક જૂથે સચિન પાઇલટને મુખ્ય પ્રધાન બનાવવાની માગ ફરી કરી. વિધાનસભ્ય પૃથ્વીરાજ મીણાએ કહ્યું કે સચિન પાઇલટને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. હાલમાં ગહેલોતે પાઇલટ વિરુદ્ધ નિવેદન કર્યું હતું, જેથી ગહેલોત અને પાઇલટના સમર્થનમાં અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.

ભાજપ શું પાઇલટને લલચાવી રહી છે?

જ્યોતિરાદિત્ય સિંધિયા પછી ભાજપની નજર હવે રાજસ્થાન પર છે. કેન્દ્રીય જળશક્તિપ્રધાન ગજેન્દ્ર શેખાવતે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ વિશે કહ્યું હતું કે થોડી રાહ જુઓ, કેમ કે ધીરજનું ફળ મીઠું હોય છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાઇલટ સિંધિયાના માર્ગે ચાલશે? ત્યારે તેમણે કહ્યું હતું કે હાલ દેશમાં એવી ઘણી બધી ઘટનાઓ જોવા મળશે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિને બહુ વર્ષો સાથે કામ કર્યું છે. બંને યુવા નેતા છે અને બંને વરિષ્ઠ કોંગ્રેસી નેતા પરિવારથી આવે છે. બંને વચ્ચે મિત્રતા અને આત્મીય સંબંધ હશે, પણ આગે શું થશે, એના માટે થોડી રાહ જુઓ.

સચિન પાઇલટનું નિવેદન એ કોંગ્રેસ પ્રમુખને શીખ?

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડતાં સચિન પાઇલટે ટ્વીટ કરીને કહ્યું હતું કે સિંધિયાનું કોંગ્રેસમાંથી જવું દુઃખદ છે. કાશ, અમુક બાબતો પક્ષની અંદર જ ઉકેલાઈ હોત, તો સારું થાત.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]