શ્રીનગર – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કશ્મીર રાજ્યની એક દિવસની મુલાકાતે આવ્યા હતા અને કેટલીક વિકાસયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
વડા પ્રધાને શ્રીનગરમાં એક કાર્યક્રમમાં એમના ભાષણની શરૂઆત કશ્મીરી ભાષામાં કરી હતી. એમણે કહ્યું કે અમારી સરકાર જમ્મુ-કશ્મીરમાં આતંકવાદના દૂષણ સામે પ્રભાવિત રીતે લડાઈ લડી રહી છે. હું આજે રાજ્યના તથા સમગ્ર દેશના નવજવાનોને એવો ભરોસો અપાવવા માગું છું કે દરેક આતંકવાદીને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અમે જમ્મુ-કશ્મીરમાં આતંકવાદની કમર તોડીને જ રહીશું. સર્જિકલ સ્ટ્રાઈક્સ કરીને આપણે આખી દુનિયાને બતાવી ચૂક્યા છીએ કે ભારતની નવી નીતિ અને નવી સ્ટાઈલ શું છે.
વડા પ્રધાને અશોક ચક્રથી સમ્માનિત શહીદ નઝીર એહમદ વાનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એમણે કહ્યું કે આજે હું શ્રીનગર આવ્યો છું ત્યારે શહીદ નઝીર એહમદ વાની સહિત એ તમામ સેંકડો વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે શાંતિ માટે, રાષ્ટ્રના રક્ષણ માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે.
પોતાની સરકાર દ્વારા શ્રીનગરમાં શરૂ કરવામાં આવેલી વિવિધ પ્રકારની સુવિધાઓની જાણકારી મોદીએ સંબોધન દરમિયાન આપી હતી. જમ્મુ-કશ્મીર રાજ્ય નિર્ધારિત સમય કરતાં વહેલું ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત થઈ ગયું છે. રાજ્યમાં પ્રત્યેક ઘરમાં વીજળી પૂરવઠો પહોંચાડવાની સાથોસાથ, પર્યાપ્ત પ્રમાણમાં વીજળી પૂરી પાડવાનાં પ્રયાસો ચાલુ છે.
વડા પ્રધાને આજે ત્રણ સ્થળે વીજળી ઉત્પાદન તથા ટ્રાન્સમિશન સાથે સંકળાયેલી મોટી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. મોદીએ કહ્યું કે આ યોજનાઓ 10-20 વર્ષથી અટકેલી પડી હતી, પણ અમે હવે એ પૂરી કરી દીધી છે. વીતી ગયેલા બે મહિનામાં અમે રાજ્યમાં સેંકડો ડોક્ટરોની ભરતી કરી છે. બારામુલામાં વિશાળ પૂલનું ઉદઘાટન કર્યું છે.
વડા પ્રધાને દેશભરમાંથી શ્રીનગરમાં ભણવા આવેલા કોલેજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ કર્યો હતો.
લેહ અને જમ્મુમાં પણ એમણે જાહેરસભાઓને સંબોધિત કરી હતી અને કહ્યું કે એમની સરકાર કશ્મીરી પંડિતોનાં પ્રશ્નો ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.
વડા પ્રધાને જમ્મુ તથા શ્રીનગર, એમ બે ડિવિઝનમાં બે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું ઉદઘાટન કર્યું હતું અને લદાખમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો.