ઓડિશામાં સરપ્રાઇઝ આપશે ભાજપ?: CM પદના ત્રણ દાવેદાર

ભુવનેશ્વરઃ કોણ બનશે ઓડિશાના CM? હવે આ વાતની ચર્ચા ચોરે ને ચૌટે થઈ રહી છે. ઓડિશા વિધાનસભામાં ભાજપને મોટી જીત મળી છે. રાજ્યની 147 બેઠકોમાંથી ભાજપે 79 બેઠકો જીતી હતી. પટનાયકના બિજુ જનતા દળ (BJP)એ 51 બેઠકો જીતી હતી. હવે સવાલ એ છે કે ઓડિશાના નવા મુખ્ય મંત્રી કોણ બનશે?

BJDની ચૂંટણીમાં હાર બાદ હવે બધાની નજર ઓડિશાના આગામી મુખ્ય મંત્રી પર છે. અટકળો વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે કહ્યું હતું કે પાર્ટીનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.

તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોના આધારે મુખ્ય મંત્રીની પસંદગી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્ય મંત્રી હશે.

મુખ્ય મંત્રીની યાદીમાં સૌથી ઉપર ધર્મેન્દ્ર પ્રધાનનું નામ ચાલી રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને સંબલપુર લોકસભા બેઠક પર બીજેડીના પ્રણવ પ્રકાશ દાસ સામે 1 લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી હતી. ત્યાર બાદ બૈજયંત પાંડાએ ઓડિશાની કેન્દ્રપારા લોકસભા સીટ પર જીત મેળવી છે. તેઓ એક વખત રાજ્યસભાના સાંસદ અને બે વાર BJDથી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ છ વર્ષ પહેલાx ભાજપમાં જોડાયા હતા અને 2019ની લોકસભાની ચૂંટણી કેન્દ્રપાડા લોકસભા બેઠક પરથી લડ્યા હતા જ્યાં તેઓ હારી ગયા હતા.

આ સિવાય અપરાજિતા સારંગીએ ભુવનેશ્વર બેઠક પર કોંગ્રેસના નેતા યાસિર નવાઝ અને BJD નેતા મનમથ રાઉત્રે સામે જીત મેળવી હતી. મુખ્ય મંત્રી પદ માટે પણ તે પણ મહત્વનું નામ માનવામાં આવે છે.  આ ઉપરાંત સંબિત પાત્રાએ પુરી લોકસભા બેઠક પર BJD નેતા અરૂપ પટનાયક અને કોંગ્રેસના ઉમેદવાર જય નારાયણ પટનાયક સામે જીત મેળવી હતી.