મહિલા અનામત બિલની વિરુદ્ધ બે સાસંદોએ મતદાન કેમ કર્યું? જાણો…

નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ લોકસભામાં ગઈ કાલે પસાર થયું હતું. આ બિલના પક્ષમાં 454 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં માત્ર બે મત પડ્યા હતા. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બે તૃતીયાંશથી વધુ મતોની સાથે બિલ પાસ થવાની ઘોષણા કરી હતી. જે બે સાંસદોએ બિલનો વિરોધ કર્યો છે, એ બંનેમાં અસદુદ્દીન ઓવેસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિન (AIMIM)થી છે. એમાં એક તો ઓવૈસી ખુદ છે અને બીજા ઇમ્તિયાઝ જલીલ.

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલના વિરોધનું મુખ્ય કારણ બિલમાં OBC અને મુસ્લિમ મહિલાઓને સામેલ ના કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે એની વિરુદ્ધ મતદાન એટલે કર્યું કે દેશને માલૂમ પડે કે સંસદના બે સભ્યો છે, જે ક્વોટામાં OBC અને મુસ્લિમને સામેલ કરવા માટે લડી રહ્યા છે.

તેમણે એ તર્ક સમજાવતાં કહ્યું હતું કે OBC લોકો દેશની વસતિના 50 ટકાથી વધુ છે. આ બિલમાં એ મહિલાઓ માટે જોગવાઈ કરાવવાની છે, જેમના સંસદ અને અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી. એ સરકાર એ સમાજની મહિલાઓને અનામત આપવાથી ઇનકાર કેમ કરી રહી છે, જે દેશની વસતિના 50થી વધુ છે?

તેમણે કહ્યું હતું કે દેશની વસતિમાં મુસ્લિમ મહિલાઓની વસતિ સાત ટકા છે, પરંતુ સંસદ સહિત અમારી રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ માત્ર 0.7 ટકા છે.