મુંબઈઃ મહારાષ્ટ્રના વેપારીઓએ બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે ‘નો UPI ડે’ મનાવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચરના જણાવ્યાનુસાર રાજ્યમાં આશરે 20,000 વેપારીઓ આ વિરોધમાં જોડાવાની શક્યતા છે.
આ દિવસે દુકાનદારો UPI મારફતે પેમેન્ટ સ્વીકારવાને બદલે માત્ર રોકડમાં જ પેમેન્ટ લેશે.
આખરે વેપારીઓ શા માટે કરી રહ્યા છે વિરોધ?
આ વિરોધનું કારણ UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને જણાવવામાં આવી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ફી લગાવવાના નિર્ણયથી ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓ પર મોટો બોજ પડી શકે છે. MCCIAના પ્રમુખ રવિન્દ્ર મંગાવેએ જણાવ્યું છે કે વેપારીઓ UPIની વિરુદ્ધ નથી. તેમની માત્ર એટલી માગ છે કે વધારાનો MDR પાછો ખેંચવામાં આવે. તેમનું કહેવું છે કે ઓનલાઇન કંપનીઓ સાથે વધતી સ્પર્ધા વચ્ચે નાના દુકાનદારો પહેલેથી જ ઓછા નફામાં વેપાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં UPI પેમેન્ટ પર વધારાનો ખર્ચ તેમના નફાને વધુ અસર કરી શકે છે.
ગ્રાહકો પાસેથી પૈસા લેવામાં આવશે કે નહીં?
કેન્દ્ર સરકારે પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે UPIથી પેમેન્ટ કરવા પર ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. નાણા મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે UPI પેમેન્ટ માટે ગ્રાહકોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. એ સાથે જ 2000 રૂપિયા સુધીના UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR લાગવાનો નથી.

મધ્ય પ્રદેશમાં પણ થયો ‘નો UPI ડે’
મહારાષ્ટ્ર પહેલાં મધ્ય પ્રદેશમાં વેપારીઓએ બુધવારે આ જ પ્રકારનો વિરોધ કર્યો હતો. ઇન્દોર, ભોપાલ, જબલપુર, ગ્વાલિયર, રતલામ, નીમચ, મંદસૌર અને જાવરાના વેપારીઓ તેમાં સામેલ થયા હતા.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ પણ ભોપાલમાં પ્રતીકાત્મક ‘નો UPI ડે’ મનાવ્યો હતો. ઇન્દોર રિટેલ ગારમેન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અક્ષય જૈને MDR તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો 15 ઓક્ટોબર સુધી નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે, તો વેપારીઓ UPI QR કોડ મશીનોને નદીમાં વિસર્જિત કરી દેશે. આ વિરોધ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન દેશભરમાં બેન્ક હડતાળ પણ પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં બીજી ઓક્ટોબરે ખરીદી કરનારાઓ માટે સાથે રોકડ રાખવી વધુ અનુકૂળ રહેશે.






