નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને આંચકો લાગવાની શક્યતા છે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના છે, ત્યારે કોંગ્રેસમાં CM પદ માટે કેટલાય નેતાઓએ દાવેદારી રજૂ કરી છે.
રાજ્યમાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 55થી વધુ બેઠકો મળવાનું અનુમાન છે. એ સાથે કોંગ્રેસમાં હવે CMપદ માટે અનેક નેતાઓએ દાવેદારી કરી કરી છે. આ યાદીમાં પહેલું નામ વિપક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાનું છે. તેઓ બે વાર CM રહી ચૂક્યા છે, તેમ છતાં તેમણે કહ્યું હતું કે હું હજી રિટાયર નથી થયો. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે.
આ રેસમાં બીજુ નામ કોંગ્રેસના મહા સચિવ અને સિરસાથી સાંસદ કુમારી શૈલજાનું છે. તેમણે દાવેદારી પેશ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ મારો અનુભવ ને પાર્ટી પ્રત્યેની મારી નિષ્ઠાને નજરઅંદાજ ના કરી શકે. હું કોંગ્રેસની વફાદાર સિપાહી છું અને હંમેશાં રહીશ. દરેક જણ જાણે છે કે કોંગ્રેસમાં CMનો નિર્ણય હાઇ કમાન્ડ કરે છે.આ ઉપરાંત ભૂપિન્દર હુડ્ડા CM પદની રેસમાંથી બહાર થશે તો તેઓ તેમના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાનું નામ આગળ કરે એવી શક્યતા છે. આ ઉપરાંત રણદીપ સૂરજેવાલાનું નામ પણ ઘણું ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે CM બનવાની મહત્ત્વાકાંક્ષા રાખવી એ કંઈ ખોટું નથી. અમે CM પદ માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિર્ણયનો સ્વીકાર કરીશું. આ સાથે હરિયામા કોંગ્રેસ અને દલિત નેતા ઉદય ભાન પણ CM પદની રેસમાં છે. તેઓ ભૂપિન્દર હુડ્ડાની નજીકની વ્યક્તિ છે. દિલ્હી AICC નેતાઓની સાથે એક બેઠકમાં તેમણે રાજ્યમાં એક દલિત ચહેરાને આગળ કરવાની વાત કરી હતી.