નવી દિલ્હી– રાફેલ ડીલ સંબંધિત તમામ ફરિયાદોને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, અને કોર્ટે કહ્યું કે, તેમને રાફેલ ડીલમાં કોઈ જ અનિયમિતતા દેખાઈ નથી, રાફેલ ડીલ એ દેશની જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બીજેપી અધ્યક્ષ અમીત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. શાહે કહ્યું કે, રાહુલ ગાંધી તેમના એ સ્રોતનું નામા આપે જેના આધાર પર તેમણે રાફેલ ડીલ અંગે આરોપ લગાવ્યો હતો. એ દુર્ભાગ્યની વાત છે કે, દેશની સૌથી જૂની પાર્ટી દેશની જનતાને ગુમરાહ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી જૂઠાણાની રાજનીતિ કરી રહી છે.એક સંમેલનમાં સંબોધન દરમિયાન અમીત શાહે કહ્યું કે, અમે રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ, સચ્ચાઈની જીત થઈ છે. લોકોને ગુમરાહ કરવા બદલ રાહુલ ગાંધીએ માફી દેશની જનતાની માફી માંગવી જોઈએ.શાહે ટ્વિટ કરીને કહ્યું કે, સુરજ પર ગમે તેટલું કિચડ કે માટી ઉછાળો તો તે પોતાના પર જ પડે છે. રાહુલ ગાંધી હવે ભવિષ્યમાં આવે બાળકો જેવા આરોપથી બચે. બીજેપી અધ્યક્ષે પુછયું કે, કોંગ્રેસ પાર્ટી પાસે જો પુરાવા હતાં તો તે સુપ્રીમમાં કેમ રજૂ ન કર્યા? કોંગ્રેસની બી ટીમ તો પહેલાથી જ ત્યાં હાજર હતી. હુ રાહેલ ડીલ અંગે ચર્ચા માટે કોંગ્રેસને ચેલેન્જ આપુ છું.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જૂદી જૂદી પાર્ટીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે કહ્યું કે, આ વિષય માટે અદાલત યોગ્ય ફોરમ નથી. દેશને સાચુ જાણવાનો અધિકાર છે, અને તે હક્કીકત જેપીસી તપાસના અધારે જ સામે આવી શકે તેમ છે. તો પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે ટ્વિટ કરીને કહ્યું કે, સત્યામેવ જયતે.