વોટ્સએપ ડાઉન થતાં યૂઝર્સ પરેશાન

મુંબઈ: લોકપ્રિય મેસેજિંગ સેવા વોટ્સએપ આજે બપોરે ભારત સહિત દુનિયાભરમાં અચાનક ખોરવાઈ જતાં યૂઝર્સ પરેશાન થઈ ગયા હતા. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકો વોટ્સએપ પર મેસેજ મોકલી કે મેળવી શકતા નહોતા અને ચેટિંગ કરી શકતા નહોતા. વોટ્સએપ પ્લેટફોર્મની માલિક મેટા કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોકોને મેસેજિસ મોકલવામાં તકલીફ પડી રહી છે તે અમારી જાણમાં આવ્યું છે. અમે દરેક જણ માટે શક્ય એટલી ઝડપે વોટ્સએપ પ્રસ્થાપિત કરવા કામ કરી રહ્યા છીએ.

કંપનીનું સર્વર ડાઉન થતાં સેવા ખોરવાઈ ગઈ હોવાનું કહેવાય છે. લગભગ એક કલાક બાદ, બપોરે અઢી વાગ્યે કેટલાક શહેરોમાં સેવા ફરી રાબેતા મુજબની થઈ હતી. શોર્ટ મેસેજિંગ સાઈટ ટ્વિટર પર #Whatsappdown ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું.