નવી દિલ્હી: નાગરિકતા બિલ પછી હવે મોદી સરકારનું આગામી પગલુ કયું હશે એને લઈને અટકળો શરુ થઈ ગઈ છે. મોદી 2.0એ લોકસભા ચૂંટણી જીત્યાના 7 મહિનામાં તેમના ઘોષણાપત્રમાં કરેલા ત્રણ વચનો પૂરા કરી દીધા જેથી હવે સરકારના આગામી પ્લાન અંગે ચર્ચાનો દોર શરુ થઈ ગયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, હવે પાર્ટી સમાન નાગરિક સંહિતા (યૂનિફોર્મ સિવિલ કોડ) પર આગળ વધી શકે છે. જોકે, કેટલાક બીજેપી નેતાઓનું કહેવું છે કે, અત્યારે પાર્ટીની પ્રાથમિકતા દેશભરમાં એનઆરસી લાગુ કરવાની છે.
બીજેપી નેતાઓએ કહ્યું કે, સમાન નાગરિક સંહિતા પર ભવિષ્યમાં આગળ વધીશુ. હાલ દેશવ્યાપી એનઆરસી લાગુ કરવાની પ્રાથમિકતા છે. ગૃહમંત્રી એનઆરસીનું એલાન કરી ચૂક્યા છે. બીજેપી નેતાઓ અનુસાર એનઆરસી માટે નવો કાયદો લાવવાની પણ જરૂર નથી મેન્ડેટના માધ્યમથી લાગુ કરી શકાય છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા એનઆરસીને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું.
તો બીજી તરફ સમાન નાગરિક સંહિતા એક એવો મુદ્દો છે જે બીજેપીની માળખાગત વિચારધારની એકદમ નજીક છે અને હંમેશાથી પાર્ટીના ઘોષણાપત્રનો ભાર રહ્યું છે. સુપ્રીમ કોર્ટ પણ સમાન નાગરિક સંહિતાને લઈને ટિપ્પણી કરી ચૂક્યું છે. જોકે, મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં લૉ કમિશન ઓફ ઈન્ડિયાએ આ અંગે પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન બિલ (કેબ)ને લઈને અસમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં મોટાપાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. રાજ્યસભામાં બુધવારે વિસ્તૃત ચર્ચાના અંતે આ બિલને મંજૂરી મળી ગઈ છે. લોકસભામાં બિલને સમર્થન આપનાર શિવસેનાએ રાજ્યસભામાં વોટિંગમાંથી દૂર ખસી ગઈ હતી. રાજ્યસભામાં કેબને મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ દિવસને ભારત અને કરુણા તેમજ ભાઈચારાના મૂલ્યો માટે ઐતિહાસિક ગણાવ્યો. તેમણે ટ્વીટ કર્યું કે, આ કાયદો વર્ષો સુધી પીડા ભોગવી રહેલા અનેક લોકોને કષ્ટોથી મુક્તિ અપાવશે.