બંગાળ, પંજાબ, કેરળ રાજ્યોએ નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈનકાર કર્યો

તિરુવનંતપુરમ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ/એનડીએ સરકારે નાગરિકતા સુધારા ખરડાને સંસદમાં પાસ કરાવી દીધો છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગઈ કાલે રાતે એની પર હસ્તાક્ષર કરીને એને મંજૂરી આપી દેતાં આ ખરડો હવે કાયદો બની ગયો છે, પરંતુ દેશના અમુક રાજ્યોએ આ કાયદો લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે.

પહેલાં બંગાળે ઈનકાર કર્યો હતો અને ત્યારબાદ પંજાબ અને કેરળ રાજ્યે કાયદો લાગુ કરવાની ના પાડી છે.

બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ કાયદા સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને પોતાના રાજ્યમાં લાગુ ન કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે અને કેરળના પીનારાઈ વિજયને પણ પોતપોતાના રાજ્યમાં આ કાયદો લાગુ ન કરવાની જાહેરાત કરી છે.

આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારો સહન ન થતાં ભારતમાં આવી ગયેલા લાખો હિન્દુ, શીખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી જેવી લઘુમતી કોમોનાં નિરાશ્રીત લોકોને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. પરંતુ, બંગાળ, પંજાબ, કેરળની સરકારોએ આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો છે.

વિજયને કહ્યું કે આ કાયદો ભારતના બિનસાંપ્રદાયિક તથા લોકતાંત્રિક ચરિત્ર પર પ્રહાર સમાન છે. તાકાતના ઘમંડ દ્વારા આ ગેરબંધારણીય કાયદાને પાસ કરાવવામાં આવ્યો છે અને એની પાછળ કોઈ જઘન્ય રાજકીય ઉદ્દેશ્ય છે. તેથી કેરળ આ કાયદાને લાગુ નહીં કરે. અમારા રાજ્યમાં ધર્મના આધારે ભેદભાવ રાખવાની પરવાનગી આપવામાં નહીં આવે.

વિરોધી પક્ષો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કહ્યું છે કે પંજાબ વિધાનસભામાં કોંગ્રેસની બહુમતી છે અને અમે આ ગેરબંધારણીય ખરડાને લાગુ કરતો રોકીશું. આ કાયદો અત્યંત ભાગલાવાદી પ્રકૃતિનો છે. જે કોઈ પણ કાયદો દેશનાં લોકોને ધાર્મિક આધાર પર વિભાજીત કરતો હોય એ ગેરકાયદેસર અને અનૈતિક છે.

મમતા બેનરજીએ કહ્યું છે કે આ બિલથી ડરશો નહીં, જ્યાં સુધી અમે અહીં સત્તા પર છીએ ત્યાં સુધી તમારી પર કોઈ ગમે તે લાદી નહીં શકે.

ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ NRC દેશભરમાં લાગુ કરવામાં આવશે એવા કેન્દ્ર સરકારના નિવેદનની પણ આકરી ટીકા કરી હતી.

કેરળ સ્થિત ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સંસ્થાએ નાગરિકતા સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આ કાયદાના વિરોધમાં ઈશાન ભારતના અમુક રાજ્યોમાં હિંસક વિરોધ થયો છે. ભાજપશાસિત આસામ સળગી રહ્યું છે તો મેઘાલયના શિલોંગમાં હિંસક દેખાવોને પગલે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

આસામના ગુવાહાટી શહેરમાં નાગરિકતા ખરડાનો વિરોધ કરી રહેલા અને કર્ફ્યૂના આદેશોનો ભંગ કરનાર દેખાવકારો પર પોલીસે કરેલા ગોળીબારમાં 3 જણનાં મરણ નિપજ્યા છે.

ગુવાહાટી ઉપરાંત આસામના અનેક શહેરોમાં બેમુદત કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.