દેશભરમાં બીએસ-6 ધોરણો લાગુઃ જાણો, શું છે આ ધોરણો?

નવી દિલ્હી: દેશમાં BS-6 ઉત્સર્જનના ધોરણો 1લી એપ્રિલથી અમલમાં આવ્યા છે. આ હવાનું પ્રદૂષણ ઘટાડવાની દિશામાં આ એક મોટું તકનીકી પગલું છે. અગાઉ, દેશમાં બીએસ -4 ના ઉત્સર્જનના ધોરણો 31 માર્ચ સુધી અમલમાં હતા. તમે પણ લાંબા સમયથી બીએસ 6 અને બીએસ 4 જેવા શબ્દો સાંભળી રહ્યા છો, પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે આ ધોરણો શું છે અને નવા ધોરણોના અમલ સાથે શું બદલાશે. ચાલો એના વિશે વિગતવાર જાણીએ.

બીએસ એટલે શું?

વાહનોમાંથી થતાં પ્રદૂષકોને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકાર ધોરણો નિર્ધારિત કરે છે. તેને બીએસ એટલે કે ભારત સ્ટેજ કહેવામાં આવે છે. આ ધોરણો સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ નિર્ધારિત કરવામાં આવે છે.

1 એપ્રિલથી BS6 ના અમલ સાથે, BS4 વાહનોનું ઉત્પાદન બંધ થઈ જશે, જેનો અર્થ છે કે હવે ફક્ત BS6 વાહનોનું જ પ્રોડક્શન થશે. આ સાથે બીએસ 4નું વેચાણ અને રજીસ્ટ્રેશન પણ બંધ થવાનું હતું પરંતુ કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉનને પગલે સુપ્રીમ કોર્ટે તેમાં રાહત આપી છે.

લોકડાઉનને ધ્યાનમાં રાખીને, ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (એફએડીએ) એ આ સમયમર્યાદાને આગળ ધપાવવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જેથી કોર્ટે લોકડાઉન સમાપ્ત થયા બાદ બીએસ 4 વાહનોના વેચાણ માટે 10 દિવસની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે 14 એપ્રિલના રોજ લોકડાઉન સમાપ્ત થયા પછી કંપનીઓ 24 સુધી બીએસ 4 વાહનોનું વેચાણ કરી શકે છે.