કોલકાતા- પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના વધી રહેલા પ્રભુત્વને કારણે રાજ્યની સીએમ મમતા બેનરજીને પોતાની રણનીતિ બદલવા મજબૂર કર્યા છે. મમતા બેનરજી પોતાના એજન્ડામાં હવે હિન્દુઓને લોભામણી લાલચ આપવા અને એ સંદેશ આપવા પ્રયાસ કરી રહી છે કે, તે હિન્દુ વિરોધી નથી.
મમતા બેનરજી તેની મુસ્લિમ તુષ્ટિકરણની કથિત છબીને બદલવા પ્રયાસ કરી રહી છે. જેના માટે હાલમાં જ મમતા બેનરજીએ ગંગાસાગરની મુલાકાત લીધી હતી. અને ત્યાં આવેલા કપિલ મુનિના આશ્રમમાં એક કલાક સમય વિતાવ્યો હતો અને કહ્યું કે, ભવિષ્યમાં પણ તે અહીં આવતા રહેશે. ઉલ્લેખનીય છે કે, મમતાની પાર્ટી દ્વારા ગંગાસાગરની મુલાકાતનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા TMC પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. હાલમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં BJPએ સૌના આશ્ચર્ય વચ્ચે 37 હજાર 476 મેત મેળવ્યા હતા. જોકે BJPને અહીં વર્ષ 2016માં માત્ર 5610 મત મળ્યા હતા.
જોકે આ બેઠક ઉપર TMCના ઉમેદવારની જીત થઈ હતી, તેને 1 લાખ 06 હજાર 179 મત મળ્યા હતા. દક્ષિણ કોલકાતામાં પણ BJPનું પ્રદર્શન સકારાત્મક રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં ભાજપનું ગ્રાઉન્ડ લેવલનું સંગઠન નામ માત્રનું જ છે. તેમ છતાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં BJPનું વધી રહેલું પ્રભુત્વ મમતા બેનરજી માટે ચિંતાનો વિષય બન્યો છે.
હવે મમતા બેનરજીને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે, પીએમ મોદી અને અમિત શાહની જોડીએ હિન્દુત્વના મુદ્દાને જે વ્યાપક રીતે લોક સુધી પહોંચાડ્યો છે, તેને લઈને પશ્ચિમ બંગાળનું રાજકારણ પણ બાકાત રહ્યું નથી. જેથી મમતા બેનરજી હવે પોતાની છબી હિન્દુત્વવાદી હોવાની કરવાની પ્રયાસ કરી રહ્યાં છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના મંદિરોના રખરખાવ માટે બોર્ડનું પણ નિર્માણ કર્યું છે.