પટનાઃ બિહારમાં નીતીશકુમારે હાલમાં NDAનો સાથ છોડીને RJD સાથે સરકાર બનાવી છે, જેમાં કેટલાય લોકોને સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે, એમાં એક નામ કાર્તિકેય સિંહનું પણ છે. RJD MLC કાર્તિકેય સિંહને નીતીશ સરકારે કાયદાપ્રધાન બનાવ્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે તેઓ સ્વયં અપહરણ કેસમાં વોન્ટેડ છે અને કોર્ટે તેમની સામે વોરન્ટ જારી કર્યું છે.
બિહારના મોકામાથી આવનારા કાર્તિકેય સિંહ RJD MLC છે. ક્યારેક શિક્ષક પણ રહેલા કાર્તિકેય સિંહને મોકામાના બાહુબલી અનંત સિંહના નજીકના માનવામાં આવે છે. અનંતના જેલમાં ગયા પછી કાર્તિકેય રાજકારણના દાવપેચ અજમાવે છે. તેમણે MLCની ચૂંટણીમાં JDU ઉમેદવારને હરાવીને જીત હાંસલ કરી છે. તેઓ મોકામામાં માસ્ટર સાહબ તરીકે જાણીતા છે.
તેમની સામે એક અપહરણ મામલે ગયા મહિને 14 જુલાઈએ વોરન્ટ જારી થઈ ચૂક્યું છે. આ કેસ 2014ના રાજીવ રંજન અપરહરણ કેસથી જોડાયેલો છે. તેમની સામે જારી થયેલું વોરન્ટ મોકામા પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યું હતું, જેમાં હજી કોઈ કાર્યવહી કરવામાં નથી આવી.
રાજીવ રંજનના કેસના 17 આરોપીઓમાં હાલના કાયદાપ્રધાન કાર્તિકેય સિંહનું નામ પણ સામેલ છે. કોર્ટનું વોરન્ટ જારી થયા પછી તેમણે કોર્ટમાં આત્મસમર્પણ પણ ના કર્યું અને જમાનત અરજી પણ દાખલ કરી. તેમને કોર્ટમાં 16 ઓગસ્ટે હાજર થવાનું હતું, પણ ત્યારે તેઓ નીતીશ સરકારમાં પ્રધાનપધના શપથ લઈ રહ્યા હતા. આ મુદ્દે તેમને પૂછવામાં આવતાં તેમણે એને રાજકીય કેસ કહીને વાત ટાળી દીધી હતી.