કાશ્મીરી હિન્દુઓએ કાશ્મીરમાંથી હિજરત કરવાની જરૂરઃ KPSS

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કીલિંગને કારણે પરિસ્થિતિ નાજુક છે. કાશ્મીરના શોપિયાંમાં મંગળવારે આતંકવાદીઓએ બે કાશ્મીરી પંડિતોને ગોળી મારી હતી, જેમાં એકનું મોત થયું છે, જ્યારે બીજો ઘાયલ થયો છે. આ ટાર્ગેટ કીલિંગ હત્યા પછી સ્થાનિક પંડિતોની શ્રીનગર સ્થિત સંસ્થા- કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS)ના પ્રમુખ સંજય કુમાર ટિકુએ ખીણમાં રહેતા બધા હિન્દુઓને હિજરત કરવા આગ્રહ કર્યો છે. KPSS કાશ્મીરી હિન્દુ સંગઠન છે, જેમણે કાશ્મીરમાં આતંકવાદીઓની હિંસા ચરમસીમાએ હતી, તેમ છતાં અત્યાર સુધી તેમણે કાશ્મીરમાંથી હિજરત નહોતી કરી.

તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિતો કાશ્મીરમાં લઘુમતીમાં છે, જેથી તેમણે કાશ્મીર છોડી દેવા પર  ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે, નહીં તો આતંકવાદીઓ બધાને મારી નાખશે.

કાશ્મીરમાં સ્થાનિક વસતિ આતંકવાદીઓને મદદ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રદેશ સરકાર અને કોર્ટ –બંને કાશ્મીરમાં કાશ્મીરી હિન્દુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. એટલા માટે KPSS બધા કાશ્મીરી પંડિતોને કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલી જવાની વિનંતી કરે છે. કાશ્મીરમાં કોઈ પણ કાશ્મીરી હિન્દુ સુરક્ષિત નથી. કાશ્મીરી પંડિતો માટે એક જ વિકલ્પ છે- કાશ્મીર છોડીને ચાલ્યા જવાનો, કેમ કે જેહાદી માનસિકતાવાળા તત્ત્વોને સ્થાનિક લોકો ટેકો પૂરો પાડી રહ્યા છે. જેથી હત્યા માટે તૈયાર રહો.

તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં પ્રવાસીઓ અને અમરનાથ યાત્રીઓ સુરક્ષિત છે, પણ બિન સ્થાનિક મુસ્લિમ અને કાશ્મીરી પંડિતોને આતંકવાદીઓ ટાર્ગેટ બનાવી રહ્યા છે.