CAA મામલે દિલ્હીમાં ભડકેલી હિંસામાં સાતનાં મોત

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં (CAA લઈને) સતત ત્રીજા દિવસે હિંસા ચાલુ રહી હતી. ભજનપુરા, કરાવલનગર, બાબરપુર, મૌજપુર, ગોકુલપુરી બ્રહ્મપુરી અને ચાંદબાગ સહિતના વિસ્તારોમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરબમારા સહિતના બનાવો બન્યા હતા. CAAવિરોધી અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં બંને પક્ષે પથ્થરબાજી થઈ હતી. ગોળીબાર થયો હતો અને પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે આ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ મૂકી દીધી છે. દિલ્હી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સાત પર પહોંચી છે, એમ સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે રાત્રે સૈંકડો મહિલાઓએ જાફરાબાદ મેટ્રો સ્ટેશનની પાસે CAAની સામે ધરણાં પર બેઠી હતી. આ ધરણાં પ્રદર્શન દરમ્યાન રસ્તા પર વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ આવતી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને રસ્તા પરથી હટવાની અપીલ કરી હતી, પણ મહિલાઓ માની ના હતી. ત્યાર બાદ ભાજપ નેતા કપિલ મિશ્રાએ રોડ બ્લોકની વિરુદ્ધ CAA સમર્થકોને રવિવારે બપોરે ત્રણ કલાકે મૌજપુર ચોક આવવાનું ઇજન આપ્યું હતું. એ જ સમયે જાફરાબાદ વિસ્તારમાં ચાર કલાકે CAA વિરોધી અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી અને પથ્થરબાજી થઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયરગેસ છોડ્યો હતો.

ભાજપના કપિલ મિશ્રા સામે ભડકાઉ ભાષણ આપવાનો આરોપ

ભાજપના નેતા કપિલ મિશ્રાની સામે રવિવારે અને સોમવારે હિંસા ભડકાવવાના આરોપમાં બે કેસ નોંધવામાં આવ્યા છે. એક ફરિયાદ આમ આદમી પાર્ટીની કોર્પોરેટર રેશમા નદીમે અને બીજી ફરિયાદ હસીબ અલ હસને નોંધાવી છે. પોલીસે પાસે નોધાવાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કપિલ મિશ્રાએ ભડકાઉ ભાષણ આપીને લોકોને ભડકાવ્યા હતા, જેનાથી અરાજકતા ફેલાઈ હતી.

બીજી બાજુ ઉત્તર-પૂર્વમાં હિંસક ઘટનાઓમાં માર્યા ગયેલાઓની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. આ સાત લોકોમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે. જોકે આ હિંસાને કાબૂમાં લેવા ગૃહપ્રધાન અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 11 લાગુ કરી હતી. આ મિટિંગમાં મુખ્ય પ્રધાન કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.