ગાંધીના વિચારોનું અદભૂત ભારત: રાજધાટ પર ટ્રમ્પ

નવી દિલ્હી: ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમ્યાન પત્ની મેલેનિયા અને દીકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા.

રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. સાબરમતી આશ્રમની મુલાકાત દરમ્યાન એવુ માનવામાં આવતું કે, ટ્રમ્પ મહાત્મા ગાંધી અંગે વિઝિટર બુકમાં સંદેશો લખશે, પણ તેમણે ગાંધીજી વિશે એક શબ્દ પણ લખ્યો ન હતો. ટ્રમ્પે ગઈકાલની ભૂલને સુધારતા આજે રાજઘાટની મુલાકાત સમયે વિઝિટર બુકમાં મહાત્મા ગાંધી અંગે લખ્યું કે, ‘અમેરિકાના લોકો ભારત સાથે મજબૂતીથી ઉભા છે. મહાત્મા ગાંધીના વિચારોનું અદભૂત ભારત, આ એક શાનદાર સન્માન છે.’