ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે 300 કરોડ ડોલરના કરાર

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે રૂ. 300 કરોડ ડોલરથી વધુના સંરક્ષણ ક્ષેત્રે કરાર થયા છે. હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટમાં સંરક્ષણ, સુરક્ષા, ઊર્જા વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર મુદ્દે વિસ્તારથી વિચારવિમર્શ થયો હતો. ભારતે અમેરિકાથી ત્રણ અબજ ડોલરથી વધુના એડવાન્સ્ડ અમેરિકી મિલિટરી ઇક્વિપમેન્ટ ખરીદવાના સમજૂતી કરાર કર્યા હતા. આ ઇક્વિપમેન્ટ્સમાં અપાચે અને MH-60 રોમિયો હેલિકોપ્ટર્સ પણ સામેલ છે, જે વિશ્વમાં સૌથી ઉચ્ચ કક્ષાના માનવામાં આવે છે.

આ સિવાય બંને દેશોને લાભ થનારા એક મોટા સોદા પર પણ વાતચીત શરૂ કરવા માટે સહમતી બની છે, જેમાં ડ્રગ ટ્રાફિકિંગ, નાર્કો ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેવી ગંભીર સમસ્યાઓ વિશે પણ એક નવું મેકેનીઝમ બનાવવા સહમતી સધાઈ છે.

બંને દેશોના વડાઓનું સંયુક્ત નિવેદન

હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે  ભારતમાં છેલ્લા બે દિવસ શાનદાર રહ્યા, ખાસ કરીને ગઈ કાલે મોટેરા સ્ટેડિયમમાં. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે. ત્યાં સવા લાખ લોકો હતા, જ્યારે મોદીએ કહ્યું કે ત્રણ વર્ષમાં બંને દેશો વચ્ચે વેપાર બે ગણો વધ્યો છે. અમે બંને દેશો વિશ્વમાં કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહમત છીએ. એ બંને દેશોના નહીં પરંતુ દુનિયાના હિતમાં છે.

સંયુક્ત નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે  ભારતીયોની મહેમાનગીરી યાદ રહેશે. મોદી અહીં ખૂબ સારુ કામ કરી રહ્યા છીએ. મોદી સાથે વાતચીતમાં ત્રણ અબજ ડોલરના રક્ષા સોદે સંમતિ સધાઈ છે. બંને દેશો આતંકવાદ ખતમ કરવા માટે પણ સારુ કામ કરશે. અમે હિંદ-પ્રશાંત ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

ટ્રમ્પે કહ્યું, જ્યારથી મેં વેપાર સંભાળ્યો છે ત્યારથી અમેરિકાની નિકાસ વધી રહી છે. તે માટે મોદીનો આભાર. મારા કાર્યકાળમાં ભારત સાથેનો વેપાર 60 ટકા વધ્યો છે. અમેરિકાનો ભારત સાથેનો વેપાર ખૂબ સારો અનુભવ રહ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારના સભ્યો બે દિવસના ભારત પ્રવાસ પછી અમેરિકા પરત ફરશે.