નવી દિલ્હીઃ ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ અને કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાને હવે આવનારા દિવસોમાં ગમે ત્યારે ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે. માલ્યાના પ્રત્યાર્પણ સંબંધિત બધી કાયદેસરની ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી છે, એમ સરકારનાં ઉચ્ચ સ્તરનાં સૂત્રોએ કહ્યું છે. જોકે માલ્યાના કેસમાં ટર્નિંગ પોઇન્ટ તો ત્યારે જ આવ્યો હતો, જ્યારે ગઈ 14 મેએ યુકેની સુપ્રીમ કોર્ટમાં પ્રત્યાર્પણની સામેનો કેસ માલ્યા હારી ગયો હતો. માલ્યાની પ્રત્યાર્પણની ચોક્કસ તારીખ અંગે સૂત્રએ કહેવાનો ઇનકાર કર્યો હતો. પણ કહ્યું છે કે કે યુકેની સુપ્રીમ કોર્ટમાં માલ્યા અપીલ હારી ગયો એ પછી પ્રત્યાર્પણની બધી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. હવે CBI અને ED વિભાગોના અધિકારીઓ માલ્યાના પ્રત્યાર્પણની કામગીરી પર કામ કરી રહ્યા છે.
માલ્યાની કસ્ટડી અમે લઈશુઃ CBI
CBIનાં સૂત્રોએ આ અંગે કહ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણ પછી અમે તેની સૌપ્રથમ કસ્ટડી લઈશું, કેમ કે તેની સામે પહેલવહેલો કેસ અમે કર્યો હતો. રાજ્યસભાના ભૂતપૂર્વ સદસ્ય માલ્યાએ ભારતમાં શરાબ ઉદ્યોગની સૌથી મોટી કંપની યુનાઇટેડ બ્રુવરિઝનું સંચાલન કર્યું હતું અને કિંગ ફિશર એરલાઇન્સની સ્થાપના કરી હતી, જે હવે ફડચામાં ગઈ છે. માલ્યા પર રૂ. 9000 કરોડની બેન્ક છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો છે. વ્યક્તિગત કારણોનું બહાનું કાઢીને માર્ચ, 2016માં માલ્યા ભારતમાંથી ભાગી ગયો હતો.
17 બેન્કો સાથે છેતરપિંડી કરી
માલ્યાએ ઓછામાં ઓછી 17 ભારતીય બેન્કો સાથે છેતરપિંડી કરી હતી. તેની પર આરોપ છે કે તેણે આ પૈસા પોતાની 40 કંપનીઓમાં સગેવગે કર્યા હતા. લંડનની હાઇકોર્ટમાં 20 એપ્રિલે ભારતને પ્રત્યાર્પણના આદેશ સામે અપીલમાં હારી ગયા પછી માલ્યાએ યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ એ કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી હતી. જોકે 14 મેએ કોર્ટના ચુકાદા પછી માલ્યાએ કેન્દ્ર સરકારને તેની સામેનો કેસ બંધ કરવામાં આવે તો એ તમામ લોન ચૂકવવા તૈયાર છે એવું નિવેદન કર્યું હતું. જોકે મોદી સરકાર દ્વારા તેની લોન ચુકવણીની ઓફરને અવગણવામાં આવી હતી.