ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટઃ 8 કામદારનાં મોત, 50 ઘાયલ

ભરૂચઃ ભરૂચ જિલ્લાના દહેજની યશસ્વી રસાયણ કંપનીના બોઇલરમાં આજે પ્રચંડ વિસ્ફોટને લીધે ભીષણ આગ ફાટી નીકળતા આઠ કામદારોના મરણ નિપજ્યા છે અને બીજા 50 જણ ઘાયલ થયા છે. 6 કામદારના મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા જ્યારે અન્ય બે કામદારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ધડાકા પછી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દૂર સુધી જોવા મળ્યા હતા. વિસ્ફોટ પછી અનેક કર્મચારીઓ દાઝી ગયા હતા. એમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં અગ્નિશામક દળની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકોની ભીડ ઊમટી હતી. જિલ્લા કલેક્ટર એમ.ડી. મોડીયાએ કહ્યું હતું કે બપોરે એગ્રોકેમિકલ કંપનીના બોઇલરમાં વિસ્ફોટ બાદ આગ લાગ્યા પછી આશરે 50 કર્મચારી ઘાયલ થયા હતા.

આ વિસ્ફોટના પડઘા ભાવનગર સુધી

ભરૂચના દહેજમાં થયેલા બ્લાસ્ટના પડઘા ભાવનગર સુધી પડ્યા હતા. ધડાકો એટલો જબરદસ્ત હતો કે ભાવનગરના કુડા ગામ સુધી તેનો અવાજ સંભળાયો હતો. આ વિસ્ફોટ થયા પછી મધદરિયે આગ લાગી હોય તેવાં દ્રષ્યો પણ સર્જાયાં હતાં.

કોંગ્રેસે સરકારને મદદ કરવાની અપીલ કરી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસપ્રમુખ અમિત ચાવડાએ આ ઘટના અંગેનો એક વિડિયો સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો હતો. સાથે તેમણે લખ્યું હતું કે ભરૂચ જિલ્લાની ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગને કારણે અનેક લોકો દાઝી ગયા છે. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ કરવા માટે તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલને અપીલ કરી હતી.