સપાના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન

ગુરુગ્રામઃ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમની વય 82 વર્ષની હતી. તેમણી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. સમાજવાદી પાર્ટીના વડા અને તેમના પુત્ર અખિલેશ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મારા આદરણીય પિતાજી અને નેતાજી નથી રહ્યા. તેમના પાર્થિવ શરીરને સૈફઇ લઈ જવામાં આવશે અને આવતી કાલે બપોરે ત્રણ કલાકે તેમના અંતિમ સંસ્કાર થશે. તેમના નિધનને પગલે UPમાં ત્રણ દિવસનો રાજકીય શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

22 ઓગસ્ટે આરોગ્ય કથળ્યા બાદ મુલાયમ સિંહ યાદવને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ચેસ્ટ ઇન્ફેક્શન, યુરિન ઇન્ફેક્શન અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. તેમને પહેલી ઓક્ટોબરે રાત્રે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મેદાંતાના એક ડોક્ટરોની પેનલ મુલાયમ સિંહ યાદવની સારવાર કરી રહી હતી. તેમના નિધનથી સમાજવાદી પાર્ટીમાં શોકની લહેર છે. 

તેઓ 1989માં સૌપ્રથમ વાર UPના મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ 1991માં જનતા દળ તૂટી ગઈ હતી. તેમણે 1993માં ફરી સરકાર બનાવી હતી, પણ માયાવતીની સાથે ટકરાવ થતાં તેઓ કાર્યકાળ પૂરો નહોતા કરી શક્યા. વર્ષ 2003માં તેઓ ફરી મુખ્ય પ્રધાન બન્યા અને 2007 સુધી આ પદે આરૂઢ રહ્યા હતા.

તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. તેમના પહેલાં તેમના સાધના ગુપ્તાનું આ વર્ષના જુલાઈમાં નિધન થયું હતું. સાધના ગુપ્તા મુલાયમ સિંહ યાદવાનાં બીજાં પત્ની હતાં. તેમનાં પહેલાં પત્ની માલતી દેવીનું 2003માં નિધન થયું હતું. માલતી દેવી અખિલેશનાં માતા હતાં.

મુલાયમ સિંહના નિધન પર વડા પ્રધાન મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.