UP સ્થાનિક ચૂંટણીમાં ‘ભગવો લહેરાયો’, વાતો કરનારાના સૂપડા સાફ: યોગી

લખનઉ- સ્થાનિક ચૂંટણીના પરિણામની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. 16માંથી મોટાભાગની કોર્પોરેશન પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. આ ઉપરાંત અનેક નગરપાલિકાઓમાં પણ BJPના ઉમેદવારોએ બાજી મારી લીધી છે.

જીત બાદ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, પ્રદેશમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ અનેક લોકોની આંખો ખોલી દેશે. જે લોકો ગુજરાતના સંદર્ભમાં વાતો કરી રહ્યાં હતા તેઓ ખાતું પણ ખોલાવી નથી શક્યા. ઉપરાંત અમેઠીમાં પણ વાતોના વડા કરનારાઓના ‘સૂપડા સાફ’ થઈ ગયા છે.

જીતનો શ્રેય પીએમ મોદી અને અમિત શાહને

જીત બાદ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, સ્થાનિક ચૂંટણીમાં જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસનું વિઝન અને પાર્ટી પ્રમુખ અમિત શાહની રણનીતિને જાય છે. વધુમાં યોગીએ કહ્યું કે, ચૂંટણીના પરિણામે અમને વધુ મજબૂત બનાવ્યાં છે અને વધુ જવાબદારી સોંપી છે. અમારે જનતાના વિશ્વાસ ઉપર ખરા ઉતરવા વધારે મહેનત કરવી પડશે. યુપીનું ચૂંટણી પરિણામ સૌની આંખો ખોલનારું છે. સીએમ યોગી આદિત્યનાથે વર્ષ 2019ની આગામી લોકસભાની ચૂંટણી માટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ વિજય મેળવશે.