ધર્મના આધારે ભારતના ભાગલા ન પડે એવી મોદીને સલાહ આપેલી: ઓબામા

નવી દિલ્હી – અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા હાલ ભારતની યાત્રા પર આવ્યા છે અને આજે અહીં ‘હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ’ શિખર સંમેલનમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘મેં એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાનગીમાં કહ્યું હતું કે તમારા દેશને ધર્મ કે સંપ્રદાયના આધારે વિભાજીત થવા દેશો નહીં.’

ઓબામાએ કહ્યું કે, ‘મેં મોદીને બીજી વિનંતી એ કરી હતી કે ભારત દેશ એવો બનાવવો જોઈએ કે એમાં મુસ્લિમો ભારતીય તરીકે પોતાની પહેચાન બનાવી શકે, કારણ કે આવું બીજા ઘણા દેશોમાં લઘુમતીઓ માટે જોવા મળતું નથી.’

ધાર્મિક સહિષ્ણુતા અંગેની તમારી અંગત સલાહ સાંભળીને મોદીએ શું પ્રત્યાઘાત આપ્યા હતા? એવા સવાલના જવાબમાં ઓબામાએ કહ્યું કે, ‘હું મારી એ અંગત વાતચીતને વધારે જાહેર કરવા માગતો નથી, પણ ભારતના બહુમતી (હિન્દુ) સમાજે અને સરકારે એવું કરવાની જરૂર છે કે જેથી લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમ લોકો ભારત દેશનો જ પોતે એક હિસ્સો છે એવી લાગણીનો અનુભવ કરે.’

ઓબામાએ એમ પણ કહ્યું હતું કે હું જ્યારે યૂએસ પ્રમુખપદે હતો ત્યારે મારું વહીવટીતંત્ર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી જૂથોના ભારતીય ટાર્ગેટ્સ તથા અમેરિકન ટાર્ગેટ્સ વચ્ચે કોઈ ભેદ રાખતું નહોતું. મેં 2008માં પાકિસ્તાન ત્રાસવાદીઓને સંડોવતા મુંબઈ ટેરર હુમલાઓના સંદર્ભમાં ત્રાસવાદી માળખાનો નાશ કરવા માટે ભારત સરકારને દરેક પ્રકારની ગુપ્તચર તથા લશ્કરી મદદ કરી હતી.