વિનેશ ફોગાટની નિવૃત્તિને મુદ્દે રાજ્યસભામાં હંગામો

નવી દિલ્હીઃ વિનેશ ફોગાટ ઓલિમિપિકમાંથી બહાર થવાથી રાજ્યસભામાં જબરદસ્ત હંગામો થયો છે. વિપક્ષના નેતાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાના પ્રયાસ કર્યા હતા, જેને સભાપતિએ એની મંજૂરી નહોતી આપી. TMC સાંસદ ડેરેક ઓબ્રાયનએ પણ એ મુદ્દે અવાજ ઉઠાવવા પ્રયાસ કર્યા હતા, પણ સભાપતિએ તેમને પણ ચેતવણી આપી હતી. ત્યાર બાદ વિપક્ષ- કોંગ્રેસ-TMC અને અન્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.

ત્યાર બાદ સભાપતિ ધનખડે નારાજ થયા હતા. તેમણે વિપક્ષને કહ્યું હતું કે અમર્યાદિત આચરણ નહીં કરો. સંસદની ગરિમા ઓછી નહીં કરો. કેટલાક સાંસદ ખોટી ટિપ્પણી કરી રહ્યા છે.

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સૂત્રોચ્ચારથી ખાસ્સા નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે મારી પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવામાં આવી રહી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું અહીં તમારી સમક્ષ બેઠવા માટે સક્ષમ નથી અનુભવી રહ્યો, જેથી થોડા સમય માટે હું અહીંથી જઈ રહ્યો છું.

આ પહેલાં વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુશ્તીની ફાઇનલમાં અયોગ્ય ઘોષિત થયા પછી કુશ્તીમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. વિનેશે એલાન કરતાં લખ્યું હતું કે તે હારી ચૂકી છે અને હવે તાકાત નથી બચી.

વિનેશ ફોગાટે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ કરી છે. તેણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે મા, કુશ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજો તમારું સપનું અને મારી  હિંમત –બંને તૂટી ગયા છે. અલવિદા કુશ્તી 2001-2024.

વિનેશ ફોગાટ બુધવારે પેરિસ ઓલમ્પિક 2024 માં 50 કિલો ફ્રીસ્ટાઈલ ફાઈનલમાંથી ડિસ્ક્વોલિફાય થઈ ગઈ હતી. ફક્ત 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી તેને લઈને ભારતીય અધિકારીઓએ પણ નિયમ ને લઈને અનેક પ્રયત્નો કર્યા, પરંતુ આ નિયમમાં ફેરફાર થયો નહીં અને ઓલમ્પિકમાં ગોલ્ડ જીતવાનો ગોલ્ડન ચાન્સ વિનેશ ફોગાટના હાથમાંથી નીકળી ગયો.