નાગપુર- સુરક્ષાના મામલે ભારતીય એજન્સીઓને આજે મોટી સફળતા મળી છે. ઉત્તરપ્રદેશ ATS દ્વારા મહારાષ્ટ્રના નાગપુરથી DRDOના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ નિશાંત અગ્રવાલ તરીકે કરવામાં આવી છે.DRDOના આ કર્મચારી ઉપર સુરક્ષા સંબંધી માહિતીઓને પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIને આપવાનો આરોપ છે. નિશાંત અગ્રવાલ પર ભારતના અતિ મહત્વપૂર્ણ મિસાઈલ બ્રમ્હોસ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાન અને અમેરિકા સાથે શેર કરવાનો આરોપ છે.
આપને જણાવી દઈએ કે, નાગપુરમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની (DRDO) બ્રમ્હોસ યૂનિટમાં નિશાંત અગ્રવાલ કાર્યરત હતા. આજે સવારે જ અહીં ઉત્તરપ્રદેશ ATS અને ઈન્ટેલિજન્સ મિલિટરી દિલ્હી દ્વારા રેડ કરવામાં આવી હતી.
નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે, તેણે બ્રમ્હોસ મિસાઈલ સાથે જોડાયેલી ટેકનિકલ માહિતી અમેરિકા અને પાકિસ્તાનની એજન્સીઓ સાથે શેર કરી છે. નિશાંત અગ્રવાલ ઉત્તરાખંડનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી DRDOની નાગપુર યૂનિટમાં કાર્યરત હતા.
આ સંદર્ભમાં આ પહેલાં ગતરોજ ઉત્તરપ્રદેશ ATS દ્વારા કાનપુરથી શંકાના આધારે એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેની પાસેથી કંઈ જ વાંધાજનક મળ્યું નહતું.