પટનાઃ બિહારમાં પુલ, રેલવે એન્જિન અને મોબાઇલ ટાવરની ચોરી ઘટનાઓને અંજામ આપ્યા પછી ચાલાક ચોરોએ હવે રેલવે ટ્રેકને નિશાન બનાવ્યા છે. મધુબનીના પંડોલ સ્ટેશનની પાસે ચોરોએ બે કિલોમીટર લાંબા રેલવે ટ્રેકની ચોરી કરી લીધી છે. રેલવે ટ્રેકની ચોરીની ઘટના સામે આવ્યા પછી અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચોરીની આ ઘટનામાં પોલીસ અને રેલવેના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. રેલવે પોલીસ આસપાસના વિસ્તારોમાં લોકોથી પૂછપરછ કરી રહી છે. એ સાથે રેલવે વિજિલન્સ અને RPFની ટીમ મામલાની તપાસમાં લાગેલી છે.
લોહટ સુગર મિલ માટે પંડોલ રેલવે સ્ટેશનથી રેલવે ટ્રેક બિઠાવવામાં આવી હતી. સુગર મિલ બંધ થયા પછી આ રેલવે લાઇન પર ટ્રેનો નહોતી ચાલતી હતી. ચોરીની આ ઘટનામાં અધિકારીઓની મિલીભગત હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે. આ રેલવે લાઇનની લિલામી થવાની હતી, પણ લિલામી પહેલાં બે કિલોમીટરના પાટાની ચોરી થઈ ગઈ છે.
રેલવેના અધિકારીઓને આ ચોરી વિશે 24 જાન્યુઆરીએ માલૂમ પડ્યું હતું, ત્યારે રેલવના અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી હતી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે પાટાની ચોરીમાં જે લોકો દોષી માલૂમ પડશે, તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
જોકે આ પહેલાં પણ ચોરોએ બરૌનીના ગઢહરા લોકો શેડની દીવાલ તોડીને એક રેલવે એન્જિનના કેટલાક ભાગો ચોરી લીધા હતા.